આણંદ: ખંભાત તાલુકાના વાસણા ગામમાં સરકારી યોજનાના રોડ નિર્માણ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. રોડનું કામ શાંતિથી પૂર્ણ કરવા માટે રૂ. 5 હજાર વસૂલ્યા બાદ વધુ રકમની માંગણી કરીને કામ બંધ કરાવવાની ધમકી આપ્યાના આરોપસર એક શખ્સ સામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, ફિણાવ ગામના રહેવાસી અને કોન્ટ્રાક્ટર મહેન્દ્રભાઈ મફતભાઈ મકવાણાને વાસણા ગામમાં સરકારી યોજના હેઠળ RCC રોડ બનાવવાનું કામ મળ્યું હતું. ગત 30 જૂને તેઓ વાસણા ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને તલાટીને મળવા ગયા હતા. તે દરમિયાન ગામના રહેવાસી પાર્થ નરેન્દ્રભાઈ ગજ્જર તેમની પાસે પહોંચ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાર્થ ગજ્જરે રોડનું કામ કોઈ વિઘ્ન વિના પૂર્ણ કરવું હોય તો રૂ. 5 હજાર આપવા પડશે, નહીં તો ખોટી રજૂઆતો કરીને કામ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. ધમકીના કારણે કોન્ટ્રાક્ટરે તેને રૂ. 5 હજાર રોકડા આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુ રકમની માંગણીનો પણ આક્ષેપ
ફરિયાદ અનુસાર, રોડનું કામ શરૂ થયા બાદ પાર્થ ગજ્જર ફરી કામના સ્થળે પહોંચ્યો હતો અને મજૂરોને હેરાન-પરેશાન કરવા ઉપરાંત વધુ પૈસાની માંગણી કરી હતી. સતત દબાણ અને ધમકીઓથી કંટાળીને કોન્ટ્રાક્ટરે આખરે ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે પાર્થ નરેન્દ્રભાઈ ગજ્જર વિરુદ્ધ ખંડણી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે.
આરોપી અંગે શું સામે આવ્યું?
પ્રાથમિક માહિતી મુજબ, પાર્થ ગજ્જર ભાજપના યુવા કાર્યકર તરીકે ઓળખાય છે. ઉપરાંત તેઓ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ખંભાત તાલુકા સંયોજક તેમજ જળસ્ત્રાવ સમિતિના પ્રમુખ તરીકે પણ ઓળખ ધરાવે છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના વિવિધ કામો દરમિયાન તેઓ સ્થળ પર જઈ ફોટા અને વીડિયો બનાવી પોતે જ કામ કરાવતો હોવાની છાપ ઊભી કરતા હતા. સોશિયલ મીડિયા પર પણ વિકાસ કાર્યો સંબંધિત ફોટા અને વીડિયો શેર કરતા હોવાનું જણાવાયું છે.
હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આરોપો અંગે પાર્થ ગજ્જરનો પક્ષ હજુ સુધી જાહેર થયો નથી.






