ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાજપ દ્વારા આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં જામનગરના સાંસદ પૂનમ માડમે વિપક્ષો પર આકરા પ્રહાર કરતા એક મોટી ચેલેન્જ ફેંકી હતી, જેને તેમના જ કાકા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમે ઉપાડી લીધી છે.
પૂનમ માડમની આકરી ચેલેન્જ: ‘ફોટો પડાવી દે તો જાહેર જીવન છોડી દઈશ’
ખંભાળિયાની સભામાં સંબોધન કરતા સાંસદ પૂનમ માડમે વિકાસયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપમાં નાનામાં નાનો કાર્યકર પણ દિલ્હી સુધી અવાજ પહોંચાડી શકે છે. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, "કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વાત કરવા માટે કાર્યકરોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જો વિપક્ષનો કોઈ સામાન્ય કાર્યકર એના મોટા નેતા સાથે વન ટુ વન ઉભા રહીને એક ફોટો પણ પડાવી દે, તો હું જાહેર જીવન ત્યાગી દઈશ."
વિક્રમ માડમનો વળતો પ્રહાર: ‘48 કલાકમાં ચેલેન્જ પૂરી કરીશ’
ભત્રીજી પૂનમ માડમની આ ચેલેન્જને સ્વીકારતા પૂર્વ સાંસદ વિક્રમ માડમે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, "ભૂતકાળમાં પણ અમારા સામાન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા જ છે. હવે હું સાંસદને ખુલ્લી ચેલેન્જ આપું છું કે, નામ તમે નક્કી કરો. તમે જે પણ કાર્યકરનું નામ આપશો, તેનો રાહુલ ગાંધી સાથેનો ફોટો હું આગામી 48 કલાકમાં પડાવી આપીશ."
આ પણ વાંચો: ભાજપમાં 'ભડકો! નારાજગીની 'કવિતા' વાયરલ : "નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં..."
જાહેર મંચ પરથી નામ આપવાની માંગ
વિક્રમ માડમે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસનો દરેક કાર્યકર મારા માટે સન્માનનીય છે. જો હું 48 કલાકમાં તે કાર્યકરનો ફોટો રાહુલ ગાંધી સાથે ન પડાવી શકું, તો હું પોતે જાહેર જીવન છોડી દઈશ. તેમણે પૂનમ માડમને વિનંતી કરી કે તેઓ જાહેર મંચ પરથી જ નામની જાહેરાત કરે, જેથી જનતાને ખબર પડે. હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય જંગમાં કોણ પોતાની વાત પર અડગ રહે છે અને કોણે જાહેર જીવન છોડવાનો વારો આવે છે.






