Home Gujarat Ahmedabad Gujarat Weather Forecast Unseasonal Rain Prediction April 2026

તૈયાર રહેજો! : આકાશમાંથી વરસશે અગનગોળા અને પછી આવશે વરસાદ, હવામાન વિભાગે કરી ખતરનાક આગાહી

Gujarat weather update
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 11:00 AM IST

Rain Alert: ગુજરાત રાજ્યમાં હાલ ગરમીનો પારો આસમાનને આંબી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચાર દિવસ બાદ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ ગરમીનું જોર રહેશે યથાવત

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, એટલે કે નાગરિકોએ હજુ ત્રણ દિવસ આકરી ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

કયા જિલ્લાઓમાં વરસાદની છે આગાહી?

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યાનુસાર, રાજ્યમાં 19 અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર દિવસ બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

  • 19 એપ્રિલ (ચોથો દિવસ): અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

  • 20 એપ્રિલ (પાંચમો દિવસ): અમરેલી, ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: દેશમાં ગરમીનો કાળો કહેર : ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ‘લૂ’નું ઓરેન્જ એલર્ટ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’ વાતાવરણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ હવામાન વિભાગે સૂચના આપી છે. આગામી 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. આને કારણે ઉકળાટ અને અકળામણમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 'હોટ એન્ડ હ્યુમિડ' કન્ડિશન પ્રવર્તશે.

મુખ્ય શહેરોમાં નોંધાયેલું તાપમાન

છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો હતો:

  • અમદાવાદ: 40.7 ડિગ્રી સેલ્સિયસ

  • રાજકોટ: 40.7 ડિગ્રી સેલ્સિયસ

  • ગાંધીનગર: 40.2 ડિગ્રી સેલ્સિયસ

આજે પણ અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. હાલમાં રાજ્યમાં પવનની દિશા પશ્ચિમ થી ઉત્તર-પશ્ચિમ તરફની છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જે 58 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી એક ટ્રફ લાઇન પણ સર્જાઈ છે. આ હવામાન પ્રણાલીઓની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now