Home National Keralam Congress Cm Race Vd Satheesan Vs Kc Venugopal Supporters Protest

કેરલમમાં કોંગ્રેસની જીત બાદ ‘CM’ પદ માટે સંગ્રામ : કાર્યકરોની 'Only VD' નારા સાથે હાઈકમાન્ડને સીધી ચેતવણી

Keralam Assembly Election, Congress Victory, V. D. Satheesan
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 09:16 AM IST

Keralam Assembly Election: કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે કોંગ્રેસ માટે ખુશીના અવસર વચ્ચે મુખ્યમંત્રીની પસંદગી કરવી 'કાંટાળા તાજ' સમાન બની ગઈ છે. રાજ્યમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને મળેલી ઐતિહાસિક બહુમતી બાદ મુખ્યમંત્રીની ખુરશી માટે બે દિગ્ગજ નેતાઓ આમને-સામને આવી ગયા છે. શુક્રવારે આખા રાજ્યમાં હજારો કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદેશના લોકપ્રિય નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા વી. ડી. સતીશનને જ મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોની આ આક્રમકતાએ દિલ્હી બેઠેલા હાઈકમાન્ડની ચિંતામાં વધારો કરી દીધો છે.

સતીશન vs વેણુગોપાલ: જમીની નેતા અને સંગઠન વચ્ચે જંગ

કેરલમ કોંગ્રેસમાં અત્યારે બે છાવણીઓ પડી ગઈ છે. એક તરફ વી. ડી. સતીશન છે, જેમણે છેલ્લા પાંચ વર્ષ સુધી વિપક્ષી નેતા તરીકે જમીની સ્તર પર રહીને જનતાના પ્રશ્નો ઉઠાવ્યા છે અને ચૂંટણીમાં પક્ષને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલનું નામ પણ હાઈકમાન્ડ દ્વારા રેસમાં આગળ રાખવામાં આવી રહ્યું છે. જોકે, પાયાના કાર્યકરો વેણુગોપાલને 'પેરાશૂટ નેતા' ગણાવી રહ્યા છે. કાર્યકરોનું સ્પષ્ટ કહેવું છે કે, "જે નેતાએ રણમેદાનમાં રહીને યુદ્ધ જીતાડ્યું છે, તેને જ સત્તાનું સિંહાસન મળવું જોઈએ."

આ પણ વાંચો: સાસુ કરતાં 16 વર્ષ મોટી પુત્રવધૂ! : આગ્રામાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો! જાણો શું છે સમગ્ર મામલો!

શું કોંગ્રેસમાં CPI(M) જેવો ઇતિહાસ દોહરાશે?

કેરલમના રાજકારણમાં અત્યારે જેવી સ્થિતિ સર્જાઈ છે, તેવી જ સ્થિતિ વર્ષ 2006માં CPI(M) માં જોવા મળી હતી. તે સમયે પિનારાયી વિજયન સામે વીએસ અચ્યુતાનંદનને મુખ્યમંત્રી બનાવવા માટે જનતા રસ્તા પર ઉતરી હતી અને છેવટે પક્ષે જનતાની લાગણી સામે નમવું પડ્યું હતું. અત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ એ જ રસ્તે છે. 'સેક્યુલર કેરલમ' માટે સતીશન અનિવાર્ય હોવાનું જણાવી હજારો સમર્થકો પોસ્ટરો અને નારાબાજી સાથે હાઈકમાન્ડ પર દબાણ બનાવી રહ્યા છે.

ઐતિહાસિક જીત અને પક્ષમાં આંતરિક વિખવાદ

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા વી. ડી. સતીશને જાહેરાત કરી હતી કે જો UDF 100 થી ઓછી બેઠકો જીતશે તો તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. પરંતુ તેમના નેતૃત્વમાં ગઠબંધને 140 માંથી 102 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત બાદ સતીશનનું કદ અનેકગણું વધી ગયું છે. બીજી તરફ, સતીશનના સમર્થનમાં રેલી કાઢનાર ઇડુક્કીના ત્રણ નેતાઓને પક્ષે સસ્પેન્ડ કરતા મામલો વધુ બિચક્યો છે. સાંસદ ડીન કુરિયાકોસે પણ આ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: શુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમયે PMએ એક વૃદ્ધના ચરણ સ્પર્શ કર્યા : જાણો કોણ છે આ વૃદ્ધ વ્યક્તિ

હાઈકમાન્ડ માટે મોટી મૂંઝવણ

રિપોર્ટ્સ મુજબ, કોંગ્રેસના નવા ચૂંટાયેલા 63 ધારાસભ્યોમાંથી બહુમતી ધારાસભ્યો કે. સી. વેણુગોપાલના પક્ષમાં હોવાનું મનાય છે. લોકશાહી ઢબે ધારાસભ્યોનો મત મહત્વનો હોય છે, પરંતુ બીજી તરફ હજારો કાર્યકરોની લાગણી સતીશન સાથે જોડાયેલી છે. પૂર્વ પ્રદેશ પ્રમુખે પણ પરોક્ષ રીતે સતીશનનું સમર્થન કરતા કહ્યું છે કે, "જે મહેનત કરે તેને જ મજૂરી મળવી જોઈએ." હવે દિલ્હી દરબાર ધારાસભ્યોના આંકડાને પ્રાથમિકતા આપશે કે રસ્તા પર ઉતરેલા કાર્યકરોની જીદને, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now