Home Gujarat Kejriwal Letter Bhupendra Patel Aap Workers Arrest Gujarat

ગુજરાતમાં 'AAP'ના કાર્યકરોની ધરપકડથી રાજકારણ ગરમાયું : કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી શું કહ્યું?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અરવિંદ કેજરીવાલ
Published by: Chintan Chavda
Last Updated: Apr 02, 2026, 10:02 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલે દાવો કર્યો છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટીના 160 થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, જે એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે.

પૂર્વ આયોજિત હુમલા અને ધરપકડનો આક્ષેપ

કેજરીવાલે પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 48 કલાકમાં એક ખાસ પેટર્ન મુજબ AAP કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખંભાળિયા, પોરબંદર અને જામનગર જેવા શહેરોમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, કાર્યકરો જ્યારે રસ્તા પર જતા હોય ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમની સાથે બોલાચાલી અને મારપીટ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ તાત્કાલિક આવીને સામી ફરિયાદ નોંધી AAP કાર્યકરો પર જ કલમ 307 (હત્યાનો પ્રયાસ) જેવી ગંભીર કલમો લગાવી જેલમાં ધકેલી દે છે.
સ્થાનિક ચૂંટણી જીતવા માટે દમનકારી નીતિ?

પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં AAPની વધતી લોકપ્રિયતાથી ડરીને ભાજપ પોલીસના દમ પર ચૂંટણી જીતવા માંગે છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે આગામી દિવસોમાં હજુ 10,000 જેટલા કાર્યકરોની ધરપકડ કરવાની યોજના છે, જેથી પાર્ટી ચૂંટણીમાં ઉમેદવારો જ ઉભા ન રાખી શકે. આ ઉપરાંત, અનેક નેતાઓના પરિવારજનોને પણ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે.

આ પણ વાંચો: ધરપકડ બાદ બહાર આવીને AAPના પ્રદેશ પ્રમુખનો ચોંકાવનારો ખુલાસો : જાણો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયેલાં ઈસુદાન ગઢવીને કેમ પોલીસે જ પકડી લીધાં

મુખ્યમંત્રી સાથે મુલાકાતની માંગ

અરવિંદ કેજરીવાલે પત્રના અંતે જણાવ્યું છે કે તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મળીને ગુજરાતના નેતાઓની આ સમસ્યા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળવા માંગે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આ મામલે વહેલી તકે મુલાકાતનો સમય આપશે. ગુજરાતની જનતા ભાજપની આ તાનાશાહીથી ડરવાની નથી અને ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે તેવો હુંકાર પણ તેમણે કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now