અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં વધુ નફો મેળવવાની લાલચ આપી નિર્દોષ નાગરિકો સાથે લાખોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
ફેસબુક પર મિત્રતા અને ડમી એપ્લિકેશન દ્વારા ખેલ
આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ, ઠગબાજોએ ફરિયાદી સાથે પ્રથમ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેમને 'CBOE US' નામની એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી USDT (ક્રિપ્ટો કરન્સી) માં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લઈને જુદા જુદા બેંક ખાતાઓ મોકલી કુલ 57,90,000 રૂપિયા ભરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે દિલ્હી અને અમદાવાદથી આ નેટવર્ક સાથે જોડાયેલા આરોપીઓને પકડી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓ અને ગુનાહિત ઈતિહાસ
પોલીસે આ ગુનામાં તાહીર ફેઝમોહમદ બેલીમ (સરખેજ), અદનાન લીયાકતભાઇ શેખ (રીલીફ રોડ), એઝાઝ જીલાનીભાઇ શેખ (દરીયાપુર), ઓમકારભારતી ગોસ્વામી (અમરેલી), મકસુદ મિર્ઝા (અમદાવાદ) અને દિલ્હીના સન્ની અશોકકુમાર મગ્ગોની ધરપકડ કરી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મયુર સાવલીયા હાલ દુબઈમાં હોવાનું ખુલ્યું છે, જે ત્યાં બેસીને બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવતો હતો.
વધુ વાંચો: ઝોલા છાપ તબીબોની હાટડીઓ થશે બંધ : ડિગ્રી વગરના ડોક્ટરો સામે ચાલશે ડ્રાઇવ, બસ આટલા સમયની વાર
41 જેટલા સાયબર ફ્રોડ સાથે જોડાણ
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓએ 'CRSYTAL INTERIOR DESIGNERS PRIVATE LIMITED' ના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં અંદાજે 41 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે અને અત્યાર સુધીમાં આશરે 1 કરોડ 50 લાખ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે આ આખા રેકેટનો પર્દાફાશ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






