Home Gujarat Kartik Patel Was Dealt A Big Blow By The Village Court

કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટ આપ્યો મોટો ઝટકો : ગ્રામ્ય કોર્ટે રેગ્યુલર જામીનની અરજી નકારી, દર્દીને લાવવા દબાણ કરતો

કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટ આપ્યો મોટો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 02:13 PM IST

ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના CEO કાર્તિક પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી નકારી નાખી છે. આ અરજી વિરુદ્ધ તપાસ અધિકારીએ એફિડેવિટ ફાઇલ કરી હતી કે આ ઘટનામાં કુલ 03 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જેમાં કાંતિભાઈનું છેલ્લે 25 જાન્યુઆરીએ મૃત્યુ નીપજ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલનો 50.91 ટકા શેર છે.

હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરી PMJAY યોજનામાંથી પૈસા કમાવવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટે જે આરોપીઓને જામીન આપ્યા તેને કરતા કાર્તિક પટેલનો રોલ અલગ છે. આરોપી સામે કુલ 51 જેટલા સાહેદો છે. તેની સામે સરકારે નિમેલ ડોકટર પેનલ સિવાય બે મૃતક દર્દીઓના સગાએ ફરિયાદ કરી છે. તો પાછળથી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા પ્રોહેબિશન અને PMJAY યોજના કાર્ડ કૌભાંડની પણ ફરિયાદ થઈ છે.

દર મહિને હોસ્પિટલના ડાયરેક્ટરોની મિટિંગ મળતી, જેમાં કાર્તિક પટેલ હોસ્પિટલનો ધંધો વધારવા માટે સૂચનાઓ આપાતા હતા. જેમાં સરકારી યોજના હેઠળ વધુમાં વધુ લાભ મેળવવા કોશિશ કરાઇ છે. ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અમદાવાદના આસપાસના ક્લિનિક ચલાવતા ડોક્ટરોને દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવા કમિશન આપવામાં આવતું હતું. ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા. PMJAY યોજનામાંથી હોસ્પિટલે 16.64 કરોડ રૂપિયા છેલ્લા 03 વર્ષમાં મેળવ્યા હતા.

અરજદારના વકીલે આ જામીન અરજીની સુનવણીમાં રજૂઆત કરી હતી કે હાઇકોર્ટે રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોલિયા અને રાહુલ જૈનને જામીન આપ્યા છે. અન્ય ડાયરેક્ટરની જેમ કાર્તિક પટેલનો રોલ સેમ છે. જેથી તેમને પેરિટિનો લાભ આપીને જામીન આપવા જોઈએ. કાર્તિક પટેલે સામે ચાલીને સરેન્ડર કર્યું છે. તે કોઈ મેડિકલ ઓફિસર નથી તેને CA/CS નો અભ્યાસ કર્યો છે. તેને હોસ્પિટલમાંથી કોઈ ફાયદો લીધો નથી. પરંતુ CEO તરીકે ફકત પગાર જ લીધો છે.

સામે સરકારી વકીલ વિજય બારોટે દલીલ કરી હતી કે સાહેદોના નિવેદન મુજબ કાર્તિક પટેલ સમગ્ર ઘટનાનો મુખ્ય ગુન્હેગાર છે. તેને પોલીસ ફરિયાદની ખબર પડતા તે ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો. આરોપી કાર્તિક પટેલને ડો.સંજય પટોલિયા અને રાજ શ્રી કોઠારીની જેમ પેરિટિનો લાભ મળી શકે નહીં, તેનો રોલ અલગ અને પ્રથમદર્શી છે. જે દર્દીઓને નહિવત તકલીફ હતી તેને પણ હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ દર્દીઓની સંભાળ રાખવા માટે પ્રોટોકોલ મુજબ MBBS નહીં,પરંતુ BHMS કે BAMS ડોક્ટરો રાખ્યા હતા. આરોપીએ ખોટો ઓડિટ રીપોર્ટ તૈયાર કરાવ્યો હતો. તે હોસ્પિટલની માર્કેટિંગ પોલિસી નક્કી કરતો હતો.

કાર્તિક પટેલ દર્દીઓ લાવવા માર્કેટિંગ ટીમ અને ડોક્ટરોને ટાર્ગેટ આપતો હતું પેશન્ટનો ફલો ઘટતા ડોક્ટરોને પગાર રોકવા ધમકી પણ કાર્તિક પટેલે આપી હોવાનો એક ડોકટરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. દર્દીઓને ખોટો ભય બતાવીને બિન જરૂરી ઓપરેશન કરવામાં આવતા ત્રણ લોકોના મૃત્યુ નિપજયા હતા. સામાન્ય તકલીફોમાં દર્દીઓને સ્ટેન્ટ મૂકી દેવામાં આવતા હતા. કબજિયાત, ઘૂંટણના દુખાવા જેવી તકલીફ ધરાવતા દર્દીઓને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા.

આરોપીએ નરોડામાં બીજી હોસ્પિટલ બનાવવા માટે 14 કરોડની લોન લીધી હતી. જેમાંથી 08 કરોડની લોન તેને ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાંથી મેળવેલ 16.64 કરોડમાંથી ચૂકવ્યા હતા. PMJAY યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલને એનજીઓગ્રાફી કરવાના 4418 રૃપિયા, એનજીઓપ્લાસ્ટિ સાથે એક સ્ટેન્ટ મુકવાના 31,714 રૂપિયા, બે સ્ટેન્ટ મુકવાના 1,27,548 રૂપિયા, જ્યારે ત્રણ સ્ટેન્ટ મુકવાના 1.63 લાખ રૂપિયા ચૂકવાતા હતા. આમ ગરીબ દર્દીઓના જીવન સાથે ચેડા કરવામાં આવતા હતાં. હોસ્પિટલની 91 ટકા આવક PMJAY યોજનામાંથી આવતી હતી.

મહેશ બારોટ નામના જે દર્દીનું મૃત્યુ નિપજ્યું તેનું PMJAY નું ગેરકાનૂની કાર્ડ બનાવવાની પ્રક્રિયા હોસ્પિટલ દ્વારા હાથ ધરાઈ હતી. પરંતુ તે રજીસ્ટર થયું ન હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં બંને તરફે મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના કેસનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. સરકારી વકીલે જામીન મળતા કાર્તિક પટેલ વિદેશ ભાગી જાય તેમજ સાહેદો સાથે ચેડા કરે તેવી શકયતા વ્યક્ત કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now