કર્ણાવતી મહાનગરમાં આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડકદેવ અને થલતેજ વોર્ડમાં જનસમર્થન સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ચૂંટણી પૂર્વે મતદાતાઓ સાથે સંપર્ક મજબૂત કરવા અને વિકાસના મુદ્દાઓને રેખાંકિત કરવા આ સંમેલન મહત્વપૂર્ણ ગણાય છે.
મુખમંત્રીએ પોતાના સંબોધનમાં કર્ણાવતી મહાનગરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસકાર્યોનું વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે, શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ અને શહેરી વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારા થયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસની આ ગતિ જાળવવા માટે સ્થિર અને પ્રતિબદ્ધ શાસન જરૂરી છે, જે માટે પ્રજાનું સહયોગ અનિવાર્ય બને છે.
વિકાસ અને નેતૃત્વ પર ભાર
મુખમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ વિસ્તારના પ્રશ્નો અંગે સતત જાગૃત રહી માર્ગદર્શન આપે છે. તેમની ભૂમિકા વિકાસકાર્યોને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ રહી છે. તેમણે ઉમેર્યું કે એક સશક્ત અને જવાબદાર જનપ્રતિનિધિ તરીકે અમિત શાહનું કાર્ય પ્રેરણાદાયક છે.
સંબોધનમાં તેમણે ભાજપના છેલ્લા ત્રણ દાયકાના કાર્યકાળ દરમિયાન મળેલા જનસમર્થનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ વિશ્વાસનો આધાર કાર્યકરોની સતત મહેનત અને સંગઠન શક્તિમાં છે. રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસને તેઓએ આ વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
આર્થિક વિકાસના આંકડા અને પ્રગતિ
રાજ્યના આર્થિક વિકાસ અંગે વાત કરતાં મુખમંત્રીએ જણાવ્યું કે ગુજરાતનું વાર્ષિક બજેટ હવે 4 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે, જે રાજ્યની આર્થિક મજબૂતી દર્શાવે છે. તેમણે MSME ક્ષેત્રની વૃદ્ધિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે શરૂઆતમાં આશરે 1.81 લાખ યુનિટ્સ હતી, જે હવે વધીને 27 લાખથી વધુ થઈ ગઈ છે. આ વૃદ્ધિ રોજગારી સર્જન અને ઉદ્યોગ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
તેમણે ઉમેર્યું કે સરકારના નીતિગત નિર્ણયો અને ઉદ્યોગમૈત્રી વાતાવરણને કારણે રાજ્યમાં રોકાણ વધ્યું છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે આર્થિક ગતિશીલતા મજબૂત બની છે. આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત થાય.
કોમનવેલ્થ ગેમ્સ અને વૈશ્વિક ઓળખ
મુખમંત્રીએ જણાવ્યું કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવી એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. ગેમ્સના આયોજનથી શહેરની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધુ વધારો થશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા મળશે.
આ પણ વાંચો: Ahmedabad બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ : Commonwealth Games 2030 માટે એક્વાટિક એરિનાનો માસ્ટરપ્લાન AMC સમક્ષ રજૂ
તેમણે કહ્યું કે આવા વૈશ્વિક કાર્યક્રમો રાજ્યના યુવાનો માટે નવી તકો સર્જે છે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. આથી શહેરને વિશ્વના નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ચૂંટણી પૂર્વે મતદાન માટે અપીલ
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત નાગરિકોને આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે જનસમર્થન આપવા વિનંતી કરી હતી.






