Home Gujarat Kadi Police Register Case Against 9 Money Lenders In Connection With The Youths Death

કડીમાં વ્યાજખોરોનો આતંક : વ્યાજના વિષચક્રમાં યુવકે ગુમાવ્યો જીવ, ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

કડીમાં વ્યાજખોરોનો આતંક
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 03:19 PM IST

મહેસાણા જિલ્લાના કડીમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે સીમા વટાવી રહ્યો છે. ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોના ત્રાસથી કડીના કમલેશભાઈ પરમાર નામના યુવકે ગાંધીનગર ખાતે ઝેર પીને આત્મહત્યા કરી છે. મૃતકે મરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં 9 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

કડીના રહેવાસી કમલેશભાઈ પરમારે આર્થિક ભીંસના કારણે ૨૦ ટકાના મસમોટા વ્યાજે રૂપિયા લીધા હતા. છેલ્લા દોઢ વર્ષથી વ્યાજખોરો આ રૂપિયાની ઉઘરાણી માટે તેમને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ત્રાસથી કંટાળી કમલેશભાઈએ ગાંધીનગરના પથિકાશ્રમ ડેપોની બહાર ઉધઈ મારવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ધમકીઓ મળતી હોવાના આક્ષેપ

મૃતકે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું કે વ્યાજખોરો તેમને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરતા હતા એટલું જ નહીં, તેમનું ઘર સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ સતત મળતી ધમકીઓના કારણે યુવક ભારે દબાણમાં હતો.

આ મામલે કડી પોલીસે સુસાઈડ નોટના આધારે 9 વ્યાજખોરો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા, ગુજરાત મની લેન્ડિંગ એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની ગંભીરતાને જોતા નાયબ પોલીસ અધિક્ષકે તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now