Home Gujarat K Attack In Broad Daylight In Ahmedabad

અમદાવાદમાં ધોળા દિવસે છરી વડે હુમલો! : ઝઘડા થયો તો એક શખ્સે કાઢી છરી..., પોલીસે આરોપીને દબોચ્યો

અમદાવાદમાં ધોળા દિવસે છરી વડે હુમલો!
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 12:13 PM IST

અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદા-વ્યવસ્થાની સ્થિતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખ્સ દ્વારા છરી વડે હુમલો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક શખ્સ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતો હોય તેમ હાથમાં છરી લઈને ટ્રાફિકની વચ્ચે અન્ય વ્યક્તિ પર હુમલો કરતો જોવા મળ્યો હતો. ખુલ્લા રસ્તા પર છરી લઈને આતંક મચાવતાં અસામાજિક તત્વના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો અને સરા જાહેરમાં છરી

પ્રાપ્ત માહિતી અનુસાર, જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં આવેલા સવેરા હોટલ પાસે ખુલ્લા રોડ પર બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાની વચ્ચે એક શખ્સે પોતાના હાથમાં છરી લઈ સામેની વ્યક્તિ પર હુમલો શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જે થોડા સમયમાં જ વાયરલ થયો હતો. વીડિયોમાં ટ્રાફિક વચ્ચે જાહેરમાં છરી લઈને હુમલો થતો દેખાતાં લોકોમાં દહેશત ફેલાઈ હતી.

આરોપીને પોલીસે દબોચ્યો

વીડિયો વાયરલ થતા જ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ જુહાપુરા વિસ્તારમાં જોવા મળી ચૂકી છે, જ્યાં જાહેરમાં છરી વડે મારામારી અને બે જૂથો વચ્ચેની અથડામણના વીડિયો વાયરલ થયા હતા.

વારંવાર જાહેરમાં હથિયાર લઈને મારામારીના વીડિયો સામે આવતાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એક વખત સવાલો ઊભા થયા છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર ન હોય તેમ બેફામ રીતે હથિયારો સાથે ફરીને લોકોમાં ભય ફેલાવતા દૃશ્યો સામે આવતાં શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now