Home Gujarat Justice For 10 Year Old Nirbhaya In Just 72 Days

ઝઘડીયાની 10 વર્ષિય નિર્ભયાને માત્ર 72 દિવસમાં ન્યાય : નરાધમ દુષ્કર્મીને અંકલેશ્વર કોર્ટે ફટકારી ફાંસીની સજા

ઝઘડીયાની 10 વર્ષિય  નિર્ભયાને માત્ર 72 દિવસમાં ન્યાય
Published by: OBS Bureau
Last Updated: May 02, 2025, 04:27 PM IST

ગત ડિસેમ્બર માસમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં 10 વર્ષીય બાળકી પર પાશવી દુષ્કર્મ આચરનાર હેવાનને અંકલેશ્વર કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.બાળકીના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ અપરાધીને ફાંસીની સજાનો રાજ્યમાં આ પ્રથમ ચુકાદો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ ટ્વિટ કરી આ ચુકાદા ને આવકાર્યો છે.


સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર દુષ્કર્મ અને બાળકીના મોતની ઘટનાની વિગતવાર વાત કરીએ તો 16 ડિસેમ્બરના રોજ ઝઘડીયા GIDC મા એક શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી મકાન પાસે રમતી હતી ત્યારે તેના પડોશમાં રહેતા વિજયકુમાર પાસવાન નામના વિકૃત હવાસખોરે આ માસૂમ 10 વર્ષીય બાળકીનુ અપહરણ કરી તેને મકાનથી દૂર ઝાડીઓમાં લઈ જઈ વિકૃતિપૂર્ણ રીતે પોતાની હવસ સંતોષી પીંખી નાંખી હતી. વિજય પાસવાન નામનો આ શેતાન આટલેથી નહોંતો અટકયો.. હેવાનિયતની પરાકાષ્ઠા પાર કરતાં તેણે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો નાખી દેતા તે લોહી લુહાણ બની હતી.. નરાધમ વિજય પાસવાન બાળકીને લોહીલુહાણ હાલતમાં દર્દમાં કણસતી મૂકીને ભાગી ગયો હતો.


સમગ્ર ઘટનાની જાણ બાળકીની માતાને થતા જ બાળકીને પહેલા ભરૂચ સીવીલ હોસ્પિટલ લઈ જવાઈ હતી,બાળકીની હાલત અત્યંત નાજુક હોવાથી બાદમાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરાઇ હતી.સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ કમનસીબે બાળકી માત્ર 8 દિવસની સારવાર બાદ મોતને ભેટી હતી.


પોલીસે આરોપી વિજયકુમાર પાસવાન ભાગવાની ફિરાકમાં હતો પરંતુ તે ભાગી જાય તે પહેલાજ ઝડપી પાડ્યો હતો.જેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.ઝઘડિયા પોલીસે વિજય પાસવાન વિરુદ્ધ અપહરણ,પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તબીબી પરિક્ષણ અને રિ-કન્સ્ટ્રક્શન સહિત ની કનુની કાર્યવાહી પૂર્ણ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરી ખુબજ ટૂંકા ગાળામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.અને ઝડપથી કોર્ટ ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. બાળકીને ઝડપથી ન્યાય મળે તે હેતુથી ભરૂચ પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચના મુજબ સીટની રચના કરી હતી ગણતરીના દિવસોમાં તપાસ ટીમે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.રેસ્ટ ઓફ રેર કેસ તરીકે લેવા દિલ્હી નિર્ભયા કેસને ટાંકી સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસ.ડી પાંડેની કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે નરાધમ વિજય પાસવાનને જ્યાં સુધી જીવ ના છોડે ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવાનો હુકમ કર્યો હતો.જ્યારે બાળકીના પરિવારને રૂપિયા 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.


ઝડપી ટ્રાયલ અને ચુકાદાને હર્ષ સંઘવીએ આવકાર્યો :


૧૦ વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરના જઘન્ય ગુનામાં માત્ર ૭૨ દિવસમાં ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદાને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આવકાર્યો છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ અપરાધીને ફાંસીની સજાનો રાજ્યમાં આ પ્રથમ ચુકાદો છે.

આ ચુકાદો ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ જગાડે છે અને સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા નરાધમોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. ગુજરાત સરકાર આવા ગુનાઓ આચરનારા તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરી, ફાંસી સુધીની સજા સુનિશ્ચિત કરવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે મક્કમતાથી કામ કરી રહી છે.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં યોગદાન આપનાર ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કરી આ કેસમાં મજબૂત પુરાવાઓ એકત્ર કરી કડક સજા અપાવવા માટે ઉત્કૃષ્ઠ તપાસ કરનાર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now