Home Gujarat Jigisha Patel Joins Aap Gujarat

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ : પાટીદાર આગેવાન જીગીશા પટેલે AAPનો ખેસ ધારણ કર્યો

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 07:03 PM IST

આમ આદમી પાર્ટી માટે આજે સૌરાષ્ટ્રની ધરતી પર રાજકીય રીતે મહત્વપૂર્ણ દિવસ રહ્યો. રાજકોટ એરપોર્ટ પર AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું ઉત્સાહી સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ ખાતે AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવતીકાલે યોજાનારી કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે. આ મહાપંચાયત ખેડૂત હિતો અને કળદા પ્રથાના વિરોધમાં આયોજિત કરવામાં આવી છે. બંને નેતાઓ ખેડૂતો પર થયેલા અત્યાચાર અને અન્યાય સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવશે.

ગુજરાતમાં આગમન બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે હવે “ભાજપની ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે.” તેમણે દાવો કર્યો કે સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈને ભાજપને “ટાટા બાય બાય” કરશે. કેજરીવાલે આક્ષેપ કર્યો કે રાજ્યમાં ખેડૂતો પર અન્યાય થઈ રહ્યો છે, લાઠીચાર્જ અને ટીઅર ગેસના સેલનો ઉપયોગ થયો છે અને નિર્દોષ ખેડૂતો સામે IPC 307 જેવી ગંભીર કલમ લગાવી તેમને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે.

કેજરીવાલે જણાવ્યું કે “ખેડૂતો માટે અનેકવાર આંદોલન કરનાર સરદાર પટેલની ધરતી પર આજે ખેડૂતો પર અત્યાચાર થવો દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે રહી તેમની લડતને ન્યાય અપાવશે.” તેમણે યાદ અપાવ્યું કે “37 વર્ષ પહેલા કોંગ્રેસે પણ ખેડૂતો પર અત્યાચાર કર્યો હતો અને ત્યારથી તે ક્યારેય સત્તામાં પાછી આવી શકી નથી.”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પણ ગુજરાતના ખેડૂતો માટે સહાનુભૂતિ વ્યક્ત કરતાં જણાવ્યું કે “ખેડૂતોને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે તેમના હિત માટે અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે “પંજાબમાં આફત પછી મોદીજીએ 1600 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી એક પણ રૂપિયા રાજ્યને મળ્યો નથી.”

તે જ સમયે, રાજકોટ ખાતે યોજાયેલી બેઠકમાં પાટીદાર સમાજની જાણીતી મહિલા આગેવાન જીગીશા પટેલે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાણ કર્યું. અરવિંદ કેજરીવાલની હાજરીમાં ખેસ ધારણ કરીને તેમણે પક્ષમાં પ્રવેશ કર્યો.

જીગીશા પટેલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવી હતી અને ત્યારથી ગુજરાતની રાજનીતિમાં જાણીતા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું કે કેજરીવાલની ઈમાનદાર રાજનીતિ અને ખેડૂતોના હિત માટેની લડતથી પ્રેરિત થઈ તેઓએ આ પગલું ભર્યું છે.

AAPના સૂત્રો અનુસાર, જીગીશા પટેલના જોડાણથી ગોંડલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં નવી ચળવળ સર્જાઈ છે. પાર્ટીનો સંગઠન વિસ્તાર વધારવાના પ્રયત્નો સાથે નવા આગેવાનોના જોડાણથી આમ આદમી પાર્ટી વધુ સશક્ત બની રહી છે.

કેજરીવાલ અને ભગવંત માનના ગુજરાત પ્રવાસ સાથે, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું રાજકીય માળખું વધુ મજબૂત થતું જઈ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજકીય હલચલ વધુ તેજ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા