નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિરતાની સીધી અસર હવે સામાન્ય મુસાફરો પર પડવા જઈ રહી છે. નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ એટલે કે 1 એપ્રિલ 2026 થી જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ મોંઘું થવાને કારણે હવે આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જે ઉનાળાના વેકેશનમાં પ્રવાસનું આયોજન કરી રહેલા લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે.
ATF ના ભાવમાં 8.5% થી વધુનો વધારો
તાજા અપડેટ મુજબ, દેશના મેટ્રો શહેરોમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના દરમાં આશરે 8.5% થી 8.8% સુધીનો વધારો નોંધાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા દરો લાગુ કર્યા છે. જેટ ઇંધણના ભાવ વધવાથી એરલાઇન્સ કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં મોટો વધારો થશે, કારણ કે કોઈપણ એરલાઇનના કુલ ખર્ચમાં લગભગ 40% હિસ્સો માત્ર ઇંધણનો હોય છે.
શું ખરેખર ભાવ 2 લાખને પાર પહોંચ્યો?
સોશિયલ મીડિયા અને કેટલાક ભ્રામક અહેવાલોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ કિલોલિટર 2 લાખ રૂપિયાને પાર કરી ગયો છે, જેના કારણે મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ઓઇલ કંપનીઓએ આ અહેવાલોને તદ્દન પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે વાસ્તવિક સ્થિતિ આટલી ગંભીર નથી. હાલમાં જેટ ફ્યુઅલનો સાચો ભાવ આશરે 1.04 લાખ રૂપિયા પ્રતિ કિલોલિટરની આસપાસ છે. આમ, ભાવમાં વધારો ચોક્કસ થયો છે, પરંતુ તે ફેલાયેલી અફવાઓ જેટલો મોટો નથી તે વાત સ્પષ્ટ થઈ છે.
આ પણ વાંચો: ખાદ્યતેલના ભાવમાં વધારાથી ગૃહિણીઓ ચિંતામાં : 4 દિવસમાં પ્રતિ કિલો રૂ.115નો વધારો
વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલની અસર
જેટ ફ્યુઅલના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અશાંતિ છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધ ઊભો થયો છે. આ અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેની સીધી અસર ભારતમાં એટીએફના ભાવ પર પડી છે.
મુસાફરો પર શું અસર થશે?
એરલાઇન નિષ્ણાતોના મતે, જ્યારે પણ ફ્યુઅલના ભાવ વધે છે, ત્યારે કંપનીઓ તેનો બોજ મુસાફરો પર નાખતી હોય છે.
ટિકિટ ભાડામાં વધારો: એરલાઇન્સ ટૂંક સમયમાં ફ્યુઅલ સરચાર્જ વધારી શકે છે, જેનાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મોંઘી થશે.
વેકેશન પ્લાનિંગ: મે અને જૂન મહિનાના વેકેશન દરમિયાન મુસાફરી કરવાનું હવે મોંઘું પડી શકે છે.
સરકાર અને મંત્રાલયનું સ્ટેન્ડ
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, 2001થી ATF ના ભાવ 'ડિ-રેગ્યુલેટ' કરવામાં આવ્યા છે, એટલે કે તેના ભાવ નક્કી કરવામાં સરકારનો સીધો હસ્તક્ષેપ હોતો નથી. ભાવ દર મહિને આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાય છે. જોકે, સામાન્ય જનતાને મોટી રાહત આપવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જો કે, રાહતના સમાચાર એ છે કે, સ્થાનિક (Domestic) ફ્લાઇટ્સ માટે ઇંધણના ભાવમાં થયેલો સંપૂર્ણ વધારો લાગુ કરવામાં આવ્યો નથી, ત્યાં મર્યાદિત વધારો રખાયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય (International) ફ્લાઇટ્સ માટે આ વધારો સંપૂર્ણ રીતે લાગુ થશે.





