Home Gujarat Jamnagar Shipping Company Alleges Rs 20 Crore Financial Breach Against Gandhidham Businessman

જામનગરની જાણીતી કંપની સાથે રૂ. 20 કરોડથી વધુની છેતરપિંડી : ગાંધીધામના ઉદ્યોગપતિ સામે નોંધાઈ ફરિયાદ

Jamnagar Financial Fraud
Published by: Nirali Gohil
Last Updated: Jun 24, 2026, 05:35 AM IST

Jamnagar News: જામનગરમાં એક મોટા આર્થિક વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં શહેરની જાણીતી શીપીંગ કંપનીએ ગાંધીધામ સ્થિત એક ઉદ્યોગપતિ અને તેમની કંપની સામે કરોડો રૂપિયાના વિશ્વાસઘાત અને નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વિવિધ મરીન સેવાઓ, લોન અને અન્ય વ્યવસાયિક વ્યવહારોના બદલામાં ચૂકવવાની કરોડો રૂપિયાની રકમ લાંબા સમયથી બાકી રાખવામાં આવી હોવાનું જણાવાયું છે. આ મામલે જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ અને શ્રીજી શીપીંગ કંપની સાથે સંકળાયેલા જીતેન્દ્ર હરીદાસ લાલ દ્વારા ગાંધીધામ સ્થિત મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મરીન સેવાઓના ચાર્જ ચૂકવાયા નહીં હોવાનો આક્ષેપ

ફરિયાદમાં જણાવાયું છે કે, મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી દ્વારા શ્રીજી શીપીંગ પાસેથી બાર્જ, ટગ, સ્ટીવડોરીંગ અને અન્ય વિવિધ મરીન સેવાઓ લેવામાં આવી હતી. આ સેવાઓ બદલ કંપનીએ સમયાંતરે બિલો પણ રજૂ કર્યા હતા. જો કે ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે, સેવાઓનો ઉપયોગ કર્યા બાદ પણ આરોપી કંપની દ્વારા અંદાજે રૂ. 2.56 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી નથી. અનેક વખત રકમની માંગણી કરવામાં આવી હોવા છતાં ચુકવણી ન થતાં અંતે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અન્ય કંપનીઓના પણ કરોડો રૂપિયા બાકી હોવાનો દાવો

માત્ર શ્રીજી શીપીંગ જ નહીં, પરંતુ અન્ય સંકળાયેલી કંપનીઓના નાણાં પણ બાકી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ સિદ્ધી મરીન સર્વિસીસ એલએલપી દ્વારા આપવામાં આવેલી વિવિધ સેવાઓના બદલામાં રૂ. 13.73 કરોડથી વધુની રકમ ચૂકવવાની બાકી છે. તે ઉપરાંત નરોતમકા કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી લેવામાં આવેલી લોન અને તેના વ્યાજ સહિત રૂ. 4.26 કરોડથી વધુની રકમ પણ પરત ચૂકવવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર વિવિધ વ્યવહારો અને સેવાઓને મળીને કુલ રૂ. 20.56 કરોડથી વધુની રકમ બાકી રહે છે.

આ પણ વાંચો: AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા! : ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ મોકલ્યું તેડું

વિશ્વાસઘાત અને આર્થિક ગેરરીતિના ગંભીર આક્ષેપ

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, વ્યવસાયિક સંબંધો અને વિશ્વાસના આધારે કરવામાં આવેલા વ્યવહારોમાં આરોપી દ્વારા નાણાંકીય જવાબદારીઓનું પાલન કરવામાં આવ્યું નથી. પરિણામે કંપનીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું જણાવાયું છે. ફરિયાદીનું કહેવું છે કે, લાંબા સમયથી રકમની વસૂલાત માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સંતોષકારક પરિણામ ન મળતાં આખરે પોલીસનો આશરો લેવો પડ્યો હતો.

પોલીસે શરૂ કરી તપાસ

ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ હવે નાણાકીય વ્યવહારો, કરારો, બિલો અને અન્ય દસ્તાવેજોની તપાસ કરીને હકીકતો ચકાસશે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ મળતા પુરાવા અને નિવેદનોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદનો સુભાષ બ્રિજ આખો તોડી પડાશે? : જૂના પિલ્લર અને નવી તિરાડોએ વધારી ચિંતા, આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય

ઉદ્યોગજગતમાં ચર્ચાનો વિષય બન્યો મામલો

જામનગર અને ગાંધીધામના વ્યાપારિક વર્તુળોમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. મરીન, પોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટા નાણાકીય વ્યવહારોને કારણે આ કેસ પર ઉદ્યોગજગતની પણ નજર છે. નોંધનીય છે કે, હાલ આ તમામ આક્ષેપો ફરિયાદના આધારે કરવામાં આવ્યા છે અને આરોપી પક્ષ તરફથી સત્તાવાર પ્રતિસાદ જાહેર થયો હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now