જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરા અને વોટર ચાર્જની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી આપતી વિશેષ ‘વ્યાજ માફી યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના તા. 31 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી આ યોજનાને નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
2,984 કરદાતાઓએ યોજનાનો લાભ લીધો
23 ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ કુલ 2,984 કરદાતાઓએ યોજનાનો લાભ લીધો છે અને રૂ. 95,10,214 જેટલી આવક નોંધાઈ છે. આ અવધિ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા રૂ. 4,31,42,810 જેટલી વ્યાજ રકમ માફ કરવામાં આવી છે, જેનાથી કરદાતાઓને મોટી રાહત મળી છે.
આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અપીલ કરવામાં આવી
મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે તા.13 ફેબ્રુઆરી 2026 થી તા. 31 માર્ચ 2026 સુધી તમામ બાકી રકમ ભરપાઈ કરનાર નાગરિકોને 100 ટકા વ્યાજ માફી તેમજ પેનલ્ટીમાં સંપૂર્ણ રાહત આપવામાં આવશે. આ યોજના હાઉસ ટેક્સ, વોટર ચાર્જ, વ્યવસાય વેરો, કારખાના લાયસન્સ ફી, દુકાનના ચડત ભાડા સહિત તમામ પ્રકારના ટેક્સ અને ચાર્જીસ પર લાગુ પડશે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે વ્યાજના વધતા ભારણ, રિકવરી પ્રક્રિયા તથા મિલ્કત જપ્તી જેવી કાર્યવાહીથી બચવા માટે સમયમર્યાદા પહેલા બાકી રકમની ચુકવણી કરી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવો.




















