જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે શનિવારે મોડી રાત્રે પૂંછ અને કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે વિનાશ સર્જ્યો છે. પૂર અને ભૂસ્ખલનની આ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદને કારણે રાજૌરી, પૂંછ અને કિશ્તવાડ સહિતના વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં અચાનક પૂર આવતાં મકાનો, રસ્તાઓ અને ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન કાટમાળ નીચે દબાઈ ગયું હતું. તે સમયે ઘરમાં હાજર આઠ લોકોમાંથી પાંચના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે વર્ષના બાળક સોફિયાન યાસીરનો પણ સમાવેશ થાય છે. બચાવ દળો દ્વારા કાટમાળ હટાવી અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજૌરીમાં પૂરનો કહેર, 250 જેટલા વાહનો પાણીમાં તણાયા
રાજૌરી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે ભારે વરસાદ બાદ ધારહાલ નદી અચાનક છલકાઈ જતાં ન્યૂ બસ સ્ટેન્ડ બેલા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરનાં જોરદાર પ્રવાહમાં અંદાજે 200થી 250 વાહનો તણાઈ ગયા હતા. અનેક દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારના સુરનુ ગામમાં વાદળ ફાટતાં અનેક મકાનો અને ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ, SDRF અને અન્ય રાહત દળો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે.
યાત્રાધામો પર પણ અસર
ખરાબ હવામાન અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને પ્રશાસને 19 જુલાઈથી અમરનાથ યાત્રા અને માતા વૈષ્ણોદેવી યાત્રાને અસ્થાયી રીતે સ્થગિત કરી છે. યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રૂટ પર ઘોડા-ખચ્ચરની સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. પિથોરાગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કૈલાશ-માનસરોવર યાત્રીઓના એક જથ્થાને ધારચુલા બેઝ કેમ્પમાં રોકી દેવામાં આવ્યો છે, કારણ કે આગળનો માર્ગ બંધ થઈ ગયો છે.
અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ચોમાસું ફરી સક્રિય બનતાં ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ઓરેન્જ અને યલો એલર્ટ અમલમાં છે. આગામી બે દિવસ દરમિયાન પણ ઉત્તર ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળાઓથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
અરુણાચલમાં પણ પૂરની સ્થિતિ ગંભીર
અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ વધુ ગંભીર બની છે. રાજ્યના 26 જિલ્લાઓ અને 576 ગામો અસરગ્રસ્ત બન્યા છે. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 1.49 લાખથી વધુ લોકો પૂરની અસર હેઠળ આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.
વાદળ ફાટવાની ઘટના શું છે?
વાદળ ફાટવું એટલે વાદળ ખરેખર ફાટી જવું નહીં, પરંતુ ખૂબ નાના વિસ્તારમાં અત્યંત ઓછા સમયમાં અસાધારણ ભારે વરસાદ થવાની હવામાન સંબંધિત ઘટના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જો 20થી 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાક કે તેનાથી ઓછા સમયમાં 100 મિમી અથવા તેથી વધુ વરસાદ નોંધાય તો તેને વાદળ ફાટવાની ઘટના ગણવામાં આવે છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભેજવાળી હવાઓ ઊંચા પર્વતો સાથે અથડાતા ઝડપથી ઉપર ચડે છે અને અચાનક ભારે વરસાદના રૂપમાં વરસી પડે છે. તેથી જ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશમાં કેન-બેતવા પ્રોજેક્ટ વિરોધ પર પોલીસ કાર્યવાહી : આદિવાસી પ્રદર્શનકારીઓને હટાવાયા
પ્રશાસનની અપીલ
જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંછ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં એડવાઇઝરી જાહેર કરીને લોકોને નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરી છે. બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. રાહત અને બચાવ દળો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે.






