Operation Mahadev: ભારતીય સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 3 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ 'ઓપરેશન મહાદેવ' હાથ ધર્યું હતું, જે અંતર્ગત શ્રીનગરના ડાચીગામ વિસ્તારના ઉપરના વિસ્તાર લિડવાસમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ લશ્કર કમાન્ડર મુસા સહિત 3 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો હતો.
'ઓપરેશન મહાદેવ'
જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે ડ્રોનથી ત્રણ આતંકવાદીઓના મૃતદેહ જોવા મળ્યા છે. ભારતીય સેનાની 15મી કોર્પ્સ રેજિમેન્ટ ચિનારએ X હેન્ડલ પર ટ્વિટ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન મહાદેવ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF સામેલ છે.
ઓપરેશન સિંદૂર બાદ વધુ એક ઓપરેશન
પહેલગામમાં બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. તે ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા. એવા અહેવાલો હતા કે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ પ્રતિકાર દળ TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી ભારતીય સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના ક્ષેત્રમાં પ્રવેશ કરીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.






