જગદીપ ધનખડે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું છે. ધનખડના રાજીનામા પછી, તેમના અનુગામીની નિમણૂક આવતીકાલે ચૂંટણી યોજાશે. દિલ્હીમાં રાજકિય માહોલ ગરમાયો છે. એનડીએ ઉમેદવાર સી પી રાધાકૃષ્ણન અને વિપક્ષી ગઠબંધનનાં ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે ભારતનાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે યોજાય છે...
જગદીપ ધનખડ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા પછી, તેમના અનુગામીની નિમણૂકની ચર્ચા થઈ રહી છે. બંધારણના નિયમો અનુસાર, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 60 દિવસની અંદર થવી જોઈએ. ત્યાં સુધી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાની જવાબદારી સંભાળશે. આગામી ઉપરાષ્ટ્રપતિ માટે ઘણી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નામ નક્કી થયું નથી. બંધારણના અનુચ્છેદ 68 ની કલમ 2 અનુસાર, ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામું અથવા દૂર કરવાથી અથવા અન્ય કોઈપણ કારણોસર ખાલી જગ્યા ભરવા માટે 60 દિવસની અંદર ચૂંટણી યોજાશે. ખાલી જગ્યા ભરવા માટે ચૂંટાયેલી વ્યક્તિ તેમના પદ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના કાર્યકાળ માટે પદ સંભાળવા માટે હકદાર રહેશે.
હવે સવાલ એ કે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ નિભાવશે?
બંધારણમાં એવું કંઈ કહેવામાં આવ્યું નથી કે ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ અથવા રાજીનામાની સ્થિતિમાં, તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં, અથવા જ્યારે ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે, ત્યારે તેમની ફરજો કોણ નિભાવશે. ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, પરંતુ કાર્યકાળ પૂરો થયા પછી પણ, તેઓ તેમના અનુગામી પદ સંભાળે ત્યાં સુધી પદ પર ચાલુ રહી શકે છે.
હવે જાણીએ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે શું લાયકાત હોવી જોઈએ ?
ભારતના નાગરિક હોવા જોઈએ
35 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય
રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે લાયક હોવા જોઈએ
ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈપણ ગૌણ સ્થાનિક સત્તામંડળ હેઠળ કોઈપણ લાભનું પદ ન હોવું જોઈએ
આ તો વાત થઈ લાયકાતની હવે જાણીએ ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે?
ભારતનું ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરે છે. ભારતીય બંધારણની કલમ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ચૂંટણી મંડળના સભ્યો દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર સિંગલ ટ્રાન્સફરેબલ મત દ્વારા કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહો, એટલે કે લોકસભાનાં 543 સભ્યો અને રાજ્યસભાનાં 12 નામાંકિત સહિત 245 સભ્યો ના તમામ સાંસદો દ્વારા કરવામાં આવે છે. આ દરમિયાન, કુલ 788 સાંસદો મતદાન કરે છે અને દરેક સાંસદના મતનું મૂલ્ય સમાન હોય છે.
સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (STV) સિસ્ટમનો ઉપયોગ કરીને ગુપ્ત મતદાન દ્વારા મતદાન કરવામાં આવે છે. એટલે કે, સાંસદો ઉમેદવારોને પસંદગીના ક્રમમાં ક્રમ આપે છે. દરેક મતદાતાએ તેમની પ્રથમ પસંદગીના ઉમેદવારના નામની આગળ '1' ચિહ્નિત કરવાનું હોય છે. પછી તેઓ તેમની પસંદગીના ક્રમમાં અન્ય ઉમેદવારોની સામે '2', '3', '4' વગેરે લખી શકે છે. સંખ્યાઓ ભારતીય અંકોમાં, રોમન અંકોમાં અથવા કોઈપણ ભારતીય ભાષામાં સંખ્યાઓમાં લખવાની હોય છે, પરંતુ તે શબ્દોમાં ન હોવી જોઈએ.
જીતવા માટે ક્વોટા પ્રાપ્ત કરવો જરૂરી છે
ચૂંટણી જીતવા માટે, ઉમેદવારે ઓછામાં ઓછા મતોની સંખ્યા પ્રાપ્ત કરવી પડે છે, જેને ક્વોટા કહેવામાં આવે છે. આમાં, કુલ પડેલા મતોને જોડીને બે ભાગવામાં આવે છે. અને પછી જે સંખ્યા આવે તેમાં 1 ઉમેરવામાં આવે છે. આ સંખ્યાને ક્વોટા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 788 સાંસદ વોટિંગ કરે છે, તો ક્વોટા હશે 788/2 + 1 = 395....એટલે કે ઉમેદવારે ચૂંટણી જીતવા માટે ઓછામાં ઓછા 395 વોટ મેળવવા પડશે. મતોની ગણતરી માટે, પ્રથમ પ્રાથમિકતાના આધારે મતોની ગણતરી પહેલા કરવામાં આવે છે. જો કોઈ ઉમેદવાર પ્રથમ પ્રાથમિકતાના આધારે ક્વોટા જેટલા કે તેથી વધુ મત મેળવે છે, તો તેની જીત માનવામાં આવે છે.
કોઈને ક્વોટા ન મળે તો શું થાય છે?સૌથી ઓછા મત ધરાવતા ઉમેદવારને ચૂંટણીમાંથી દૂર કરવામાં આવે છે.
તેમના બધા મતપત્રોની ફરીથી તપાસ કરવામાં આવે છે.
હવે દરેક મતપત્ર પર ચિહ્નિત આગામી પસંદગીના આધારે બાકીના ઉમેદવારોને મત ટ્રાન્સફર કરવામાં આવે છે.
જો બીજી પસંદગી ચિહ્નિત હોય, તો મત તે ઉમેદવારને જાય છે.
જો કોઈ બીજી પસંદગી ચિહ્નિત ન હોય, તો મત સમાપ્ત માનવામાં આવે છે અને પછી તેની ગણના કરવામાં નથી આવતી.
જો આ ટ્રાન્સફર પછી પણ કોઈ ઉમેદવાર નિર્ધારિત ક્વોટા સુધી પહોંચે છે, તો તેને ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે.
ચૂંટણી પરિણામો કેવી રીતે જાહેર કરવામાં આવે છે?
ચૂંટણી પૂર્ણ થયા પછી અને મતોની ગણતરી થયા પછી, રિટર્નિંગ ઓફિસર ચૂંટણી પરિણામ જાહેર કરે છે. ત્યારબાદ, તે કેન્દ્ર સરકારનાં કાયદો અને ન્યાય મંત્રાલય અને ભારતના ચૂંટણી પંચને પરિણામ વિશે જાણ કરે છે, અને સરકાર ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા વ્યક્તિનું નામ ચૂંટણી પંચને મોકલે છે. જે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થાય છે. ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપિતને પદ અને ગોપનિયતાનાં શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ પણ હોય છે. આનો અર્થ એ થાય કે રાજ્યસભાની કાર્યવાહી પણ ઉપરાષ્ટ્રપતિ દ્વારા જ ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તા પર હોય તેવા પક્ષ કે ગઠબંધનના સમર્થકની પસંદગી કરવામાં આવે છે. તો આ હતી ઉપરાષ્ટ્રપતિનાં પદ માટેની ચૂંટણી પ્રક્રિયા...હવે જોવાનું એ રહેશે કે ભારતનાં નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બને છે.






