Russia Petrol Export Ban: વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ અને વધતા ભાવો વચ્ચે રશિયાએ એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. રશિયા આગામી 1 એપ્રિલથી પેટ્રોલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા જઈ રહ્યું છે, જે 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે દેશમાં ઈંધણના પુરવઠાને જાળવી રાખવા અને સ્થાનિક બજારમાં કિંમતોને અંકુશમાં રાખવા માટે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક તેલ બજારમાં જે અસ્થિરતા સર્જાઈ છે, તેનાથી પોતાના દેશના નાગરિકોને બચાવવા રશિયાએ આ આકરૂં પગલું ભર્યું છે.
સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાનો રશિયાનો પ્રયાસ
રશિયન સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની આંતરિક જરૂરિયાતોને પૂરી કરવાનો અને રિફાઇનરીઓ પરના દબાણને ઘટાડવાનો છે. અગાઉ પણ યુક્રેન સાથેના સંઘર્ષ દરમિયાન રશિયાએ પોતાની રિફાઇનરીઓને થયેલા નુકસાનને પહોંચી વળવા આવા પ્રતિબંધો મૂક્યા હતા. જોકે, આ વખતે ઉર્જા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ આગમચેતીના ભાગરૂપે નિકાસ રોકવામાં આવી રહી છે જેથી સ્થાનિક કિંમતોમાં ઉછાળો ન આવે.
આ પણ વાંચો: ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી : ખાતરની નિકાસ પર રોક અને તેલના ભાવમાં કર્યો વધારો
ભારત માટે રાહત: ક્રૂડ ઓઈલનો સપ્લાય રહેશે યથાવત
રશિયાના આ નિર્ણયની ભારત પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નહિવત છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારત રશિયા પાસેથી સીધું 'પેટ્રોલ' નહીં પણ 'ક્રૂડ ઓઈલ' (કાચું તેલ) આયાત કરે છે. ભારત આ ક્રૂડ ઓઈલને પોતાની રિફાઇનરીઓમાં પ્રોસેસ કરીને પેટ્રોલ-ડીઝલ બનાવે છે. ઉલટું, ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા સપ્લાય ચેઈન સંકટને પહોંચી વળવા ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી વધારી દીધી છે. એપ્રિલ મહિનામાં ભારત રશિયા પાસેથી અંદાજે 6 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદવા જઈ રહ્યું છે.
ડિસ્કાઉન્ટ ગયું, હવે પ્રીમિયમ ચૂકવશે ભારત
એક સમયે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં ભારતને રશિયા પાસેથી જે તેલ ભારે ડિસ્કાઉન્ટ પર મળતું હતું, તેની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં તેલની ભારે માંગ અને મર્યાદિત સપ્લાયને કારણે હવે ભારતે રશિયન તેલ માટે 5 થી 15 ડોલર પ્રતિ બેરલનું પ્રીમિયમ (વધારાની કિંમત) ચૂકવવું પડી રહ્યું છે. અમેરિકાએ પણ ભારતને કેટલીક શરતો સાથે રશિયન ઓઈલ કાર્ગો લેવાની મંજૂરી આપી છે, જે ભારતીય રિફાઇનર્સ માટે મોટી રાહત સાબિત થઈ છે.
રશિયાની નિકાસના આંકડા
ઉદ્યોગ જગતના આંકડા મુજબ, રશિયા દરરોજ અંદાજે 1.17 લાખ બેરલ પેટ્રોલની નિકાસ કરે છે. ગયા વર્ષે રશિયાએ કુલ 50 લાખ મેટ્રિક ટન પેટ્રોલની નિકાસ કરી હતી. આ નિકાસ બંધ થવાથી યુરોપ અને અન્ય પાડોશી દેશોમાં પેટ્રોલના ભાવ વધી શકે છે, પરંતુ ભારત પોતાની રિફાઇનિંગ ક્ષમતાને કારણે સુરક્ષિત છે.





