ભારતની સૌથી મોટી સિગારેટ ઉત્પાદક કંપની તરીકે જાણીતી ITC Limited ના માલિકી હકને લઈને હંમેશા લોકોમાં કુતૂહલ રહેતું હોય છે. મોટાભાગની ભારતીય કંપનીઓમાં કોઈ એક પરિવાર કે પ્રમોટરનું વર્ચસ્વ હોય છે, પરંતુ ITC આ બાબતે સાવ અલગ છે. વાસ્તવમાં આ કંપનીનો કોઈ એક ચોક્કસ માલિક, પ્રમોટર પરિવાર કે તેને કંટ્રોલ કરનાર વ્યક્તિ નથી. તે ભારતની સૌથી વધુ શેરહોલ્ડિંગ ધરાવતી અને પ્રોફેશનલી મેનેજ્ડ કંપનીઓમાંની એક છે.
ITCમાં કોઈ પ્રમોટર કે એકહથ્થુ માલિક નથી
ITC Limited ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 0% પ્રમોટર શેરહોલ્ડિંગ સાથે કાર્ય કરે છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ, પરિવાર કે સ્થાપક સમૂહ પાસે આ કંપનીના અંકુશ માટેની બહુમતી હિસ્સેદારી નથી. કંપનીનું સાચું માલિકી હક સંસ્થાકીય રોકાણકારો, સરકારી સંસ્થાઓ, વિદેશી શેરધારકો અને સામાન્ય જનતાના હાથમાં વહેંચાયેલું છે.
કોણ છે ITCના મુખ્ય હિસ્સેદારો?
કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો યુકેની મલ્ટીનેશનલ કંપની British American Tobacco (BAT) આશરે 22.9% થી 23.1% હિસ્સા સાથે સૌથી મોટી શેરધારક છે. ત્યારબાદ ભારતની સરકારી સંસ્થા Life Insurance Corporation of India (LIC) આ કંપનીમાં 15.5% ની ભાગીદારી ધરાવે છે. આ સિવાય Unit Trust of India (SUUTI) પાસે 7.8% હિસ્સો છે. બાકીના શેર મ્યુચ્યુઅલ ફંડ્સ, વિદેશી રોકાણકારો અને રિટેલ શેરધારકો પાસે છે.
કોણ સંભાળે છે કંપનીનું સુકાન અને શું છે તેમનો ધર્મ?
કંપનીના રોજના વહીવટ અને લીડરશીપની જવાબદારી સંજીવ પુરીના ખભા પર છે. તેઓ હાલમાં કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. સંજીવ પુરી વર્ષ 1986 માં ITC માં જોડાયા હતા અને પોતાની મહેનતથી ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે. ધર્મની વાત કરીએ તો સંજીવ પુરી એક હિન્દુ પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના નેતૃત્વમાં કંપનીએ માત્ર સિગારેટ જ નહીં પરંતુ FMCG, કૃષિ અને ડિજિટલ બિઝનેસમાં મોટું નામ બનાવ્યું છે.
સિગારેટથી લઈને FMCG પાવર હાઉસ સુધીની સફર
જોકે સિગારેટ હજુ પણ ITC ના નફામાં મોટું યોગદાન આપે છે, પરંતુ આજે આ કંપની માત્ર તમાકુ ઉત્પાદક રહી નથી. તેના પોર્ટફોલિયોમાં આશીર્વાદ લોટ, સનફીસ્ટ બિસ્કિટ, બિંગો, યિપ્પી નૂડલ્સ, સેવલોન અને ક્લાસમેટ જેવી જાણીતી બ્રાન્ડ્સ સામેલ છે. વર્ષ 2026 ની શરૂઆતમાં ITC Limited નું માર્કેટ કેપિટલાઇઝેશન 4.22 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2025 થી કંપનીનો હોટેલ બિઝનેસ અલગ થઈ ગયો છે, જે હવે ITC Hotels Limited તરીકે ઓળખાય છે.





















