વિદેશની ધરતી પર ફરી એકવાર ભારતીયોને નિશાન બનાવવાની ઘટના સામે આવી છે. ઇટાલીના ઉત્તર ભાગમાં આવેલા બર્ગામો પ્રાંતમાં બૈસાખીના પવિત્ર પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે અચાનક થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે ભારતીય નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાએ માત્ર ઇટાલીમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય સમુદાયમાં ફફડાટ અને રોષની લાગણી જન્માવી છે. લોહીથી ખરડાયેલી આ બૈસાખી બાદ હવે વિદેશમાં ભારતીયોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા અપરાધ દરો પર ફરી એકવાર ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.
તહેવારની ઉજવણી લોહીમાં ખરડાઈ
મળતી મહિતી અનુસાર, આ લોહિયાળ ઘટના શુક્રવારે મોડી રાત્રે બર્ગામો પ્રાંતના કોવો (Covo) વિસ્તારમાં બની હતી. જ્યાં હુમલો થયો તે સ્થળ 'ગુરુદ્વારા માતા સાહિબ કૌર જી' ની બિલકુલ નજીક આવેલું એક વિશાળ વેરહાઉસ હતું. બૈસાખીના તહેવારને કારણે શીખ સમુદાય દ્વારા આ વેરહાઉસનો ઉપયોગ ધાર્મિક સભાઓ, લંગર અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરવામાં આવી રહ્યો હતો.
સેંકડો શ્રદ્ધાળુઓ જ્યારે ગુરુવાણીના કીર્તન બાદ પ્રસાદ લઈને વેરહાઉસની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ ઓચિંતો હુમલો થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા શખ્સે અત્યંત નજીકથી ફાયરિંગ શરૂ કર્યું હતું. અચાનક થયેલા ગોળીઓના અવાજથી ભક્તિમય વાતાવરણ ચીસો અને અફરાતફરીમાં ફેરવાઈ ગયું હતું. હુમલાખોરે એટલી ઝડપથી આ કૃત્યને અંજામ આપ્યો કે કોઈને સંભાળવાની તક સુધ્ધાં મળી નહોતી.
મૃતકોની ઓળખ અને પારિવારિક વિગતો
સ્થાનિક ઇટાલિયન પોલીસ (Carabinieri) ના સત્તાવાર અહેવાલ મુજબ, આ હુમલામાં જીવ ગુમાવનારાઓની ઓળખ 48 વર્ષીય રાગિન્દર સિંહ અને 48 વર્ષીય ગુરમીત સિંહ તરીકે થઈ છે.
રાગિન્દર સિંહ: તેઓ છેલ્લા ઘણા સમયથી કોવો વિસ્તારમાં સ્થાયી થયા હતા અને સ્થાનિક ભારતીય સમુદાયમાં જાણીતા ચહેરો હતા.
ગુરમીત સિંહ: તેઓ નજીકના અગ્નાડેલો વિસ્તારમાં રહેતા હતા અને ખાસ બૈસાખીના પર્વ નિમિત્તે સેવામાં જોડાયા હતા.
બંને મિત્રો જ્યારે વેરહાઉસના એક્ઝિટ ગેટ પાસે પહોંચ્યા, ત્યારે જ હુમલાખોરે તેમને નિશાન બનાવ્યા હતા. ઘટના બાદ હુમલાખોર અંધારાનો લાભ લઈને પોતાની કારમાં પૂરઝડપે ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજતા ભારતીય પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી ભડકી આગ! : અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ, તેલ, વેપાર અને સુરક્ષા પર મોટો ખતરો
સુનિયોજિત હત્યાકાંડની આશંકા
બર્ગામો પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ કોઈ આકસ્મિક ઝઘડો કે લૂંટનો ઈરાદો નહોતો, પરંતુ એક 'ટાર્ગેટેડ કિલિંગ' અથવા સુનિયોજિત હત્યાકાંડ હોઈ શકે છે. હુમલાખોરને ખબર હતી કે પીડિતો કયા સમયે બહાર આવશે, જે દર્શાવે છે કે રેકી કરવામાં આવી હતી.





