Sensex Today: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ (15 એપ્રિલ, 2026) મંગળકારી સાબિત થયો છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં પ્રચંડ તેજી જોવા મળી છે. સેન્સેક્સ અંદાજે 1,268 પોઈન્ટના વધારા સાથે 78,116 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 385 પોઈન્ટ ઉછળીને 24,227ની સપાટી વટાવી ગયો છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ ઇઝરાયેલ-લેબનોન અને અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની આશા અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.
બજારમાં સર્વત્ર હરિયાળી જોવા મળી રહી છે, જેમાં IT, મેટલ, મીડિયા અને PSU બેન્ક ઇન્ડેક્સમાં 2 થી 3 ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને ઈન્ડિયા VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) માં 8 ટકાથી વધુનો ઘટાડો થતાં બજારમાં સ્થિરતાના સંકેત મળ્યા છે. માર્કેટ ખુલતાની સાથે જ લગભગ 3,195 શેર વધારા સાથે અને માત્ર 406 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા, જે બજારમાં વ્યાપક ખરીદી દર્શાવે છે.
IT અને એવિએશન સેક્ટરમાં ઉછાળો, ક્રૂડમાં ઘટાડાનો ફાયદો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને 96 ડોલરની નીચે આવી જતાં પેઇન્ટ્સ અને એવિએશન (વિમાન સેવા) કંપનીઓના શેરમાં તેજી આવી છે. એશિયન પેઇન્ટ્સ અને ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) ના શેરમાં 2 થી 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ, અમેરિકી ટેક બજારમાં તેજીને કારણે ભારતીય IT શેરો જેવા કે સાયન્ટ (Cyient), ઇન્ફોસિસ અને TCS માં પણ 3 ટકાથી વધુનો વધારો થયો છે. સાયન્ટનો શેર તો ઇન્ટ્રા-ડેમાં 8 ટકા જેટલો ઉછળ્યો છે.
રેલટેલ અને HG ઇન્ફ્રાને મળ્યા મોટા ઓર્ડર
શેરબજારમાં આજે મિડકેપ શેરોમાં પણ ભારે હલચલ જોવા મળી છે. રેલટેલ કોર્પોરેશનને રેલ વિકાસ નિગમ (RVNL) તરફથી 564.5 કરોડના બે મોટા ઓર્ડર મળતા તેના શેરમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો, જે છેલ્લા 21 મહિનાનો સૌથી મોટો વધારો છે. તેવી જ રીતે, HG ઇન્ફ્રા એન્જિનિયરિંગને ઉત્તર પ્રદેશમાં 519 કરોડનો ઓર્ડર મળતા શેર 14 ટકા વધીને બે મહિનાની ટોચે પહોંચી ગયો છે.
ICICI પ્રુડેન્શિયલના પરિણામોમાં ધમાકો
વીમા ક્ષેત્રની અગ્રણી કંપની ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ચોથા ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં વાર્ષિક ધોરણે 62 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે શેર 4 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે. જોકે, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક માટે માઠા સમાચાર આવ્યા છે. RBIએ તેમની યુનિવર્સલ બેન્ક બનવાની અરજી પરત કરી દેતા શેર 4 ટકા જેટલો તૂટ્યો છે.
નિષ્ણાંતોનો મત: 'ડિપ્સ પર ખરીદીની તક'
બજારના નિષ્ણાંતોના મતે, નિફ્ટી માટે 24,000 હવે મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. જો નિફ્ટી 24,400ની ઉપર ટકી રહેશે તો તે આગામી દિવસોમાં 24,800 સુધી પહોંચી શકે છે. જીઓજિત ઇન્વેસ્ટમેન્ટના વ્યૂહરચનાકાર વી.કે. વિજયકુમાર જણાવે છે કે રોકાણકારોએ અત્યારે બજારમાં ટકી રહેવું જોઈએ, કારણ કે આવા મોટા બાઉન્સ બેકનો લાભ ત્યારે જ મળે જ્યારે તમે માર્કેટમાં રોકાણ કરેલું હોય.





