ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને કોંગ્રેસમાં જોડાતા નેતાઓ મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે ભાજપ અને કોંગ્રેસ "ભાઈ-ભાઈ" છે અને બંનેએ મળીને આપને નબળી પાડવા માટે એક નવો ખેલ શરૂ કર્યો છે.
ઈસુદાન ગઢવીના કહેવા મુજબ જે કોંગ્રેસના નેતાઓ અગાઉ ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, તે હવે ફરીથી કોંગ્રેસમાં પરત જઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ હવે ગુજરાતમાં હાર સ્વીકારી ચૂકી છે, અને તેથી જ તે આપને તોડવા માટે આવી ચાલબાજી કરી રહી છે.
તેમણે કહ્યું કે, જે લોકો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ગયા છે, તેમની હાલત જોઈ શકાય છે. કોંગ્રેસ માત્ર ભાજપના કહેવાથી આપના નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે. ગઢવીએ એવો પણ દાવો કર્યો કે જે નેતાઓ આપ છોડીને ગયા છે, તે બધા "ભાજપની સ્ક્રિપ્ટ" મુજબ વાત કરી રહ્યા છે, જે દર્શાવે છે કે આ આખી રમત ભાજપ દ્વારા જ રમાઈ રહી છે.
ઈસુદાન ગઢવીએ એમ પણ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ હવે ખતરામાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જે પણ લોકો અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીને છોડીને ગયા છે, તે બધા જ આજે પસ્તાઈ રહ્યા છે. આ નિવેદનોથી ગુજરાતના રાજકારણમાં એક નવો ગરમાવો આવ્યો છે અને આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.






