Pakistan News: પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડાર અત્યારે એક વિચિત્ર અકસ્માતને કારણે ચર્ચામાં છે. રવિવારે ઇસ્લામાબાદમાં ઇજિપ્તના વિદેશ મંત્રીનું સ્વાગત કરતી વખતે ઇશાક ડાર રેડ કાર્પેટ પર લપસી પડ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ફોટો પડાવવા અને હાથ મિલાવવા માટે આગળ વધી રહ્યા હતા. જોકે, પડ્યા બાદ તેઓ તરત જ ઊભા થઈ ગયા હતા અને આખો દિવસ પેઈન કિલર દવાઓ લઈને મહત્વની બેઠકોમાં હાજરી આપી હતી, પરંતુ રાત્રે મેડિકલ ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે તેમના ખભાના હાડકામાં 'હેરલાઇન ફ્રેક્ચર' થયું છે.
ઇશાક ડાર અત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનનું કદ વધારવા માટે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં ઇજિપ્ત, તુર્કી અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓની હાઈ-લેવલ મીટિંગનું આયોજન તેમના નેતૃત્વમાં થઈ રહ્યું હતું. આ સંઘર્ષને શાંત કરવા માટે પાકિસ્તાન એક મહત્વના દૂત (Messenger) તરીકે કામ કરી રહ્યું છે, પરંતુ આ મહત્વપૂર્ણ મિશન દરમિયાન જ ડાર ઈજાગ્રસ્ત થતા હવે આગામી થોડા દિવસો સુધી તેમની ગતિવિધિઓ પર અસર પડી શકે છે.
પુત્ર અલી ડારે આપી તબિયતની માહિતી
ઇશાક ડારના પુત્ર અલી ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, "ઇશાક ડાર સાહેબે ઇજિપ્તના વિદેશ મંત્રીના સ્વાગત દરમિયાન ઈજા થઈ હોવા છતાં, આખો દિવસ પીડા સહન કરીને તમામ મહત્વની બેઠકો પૂર્ણ કરી હતી." રાત્રે 9 વાગ્યે જ્યારે તમામ સત્તાવાર કાર્યક્રમો પૂરા થયા, ત્યારે એક્સ-રે રિપોર્ટમાં ખભામાં હેરલાઇન ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. ડૉક્ટરોએ તેમને આગામી કેટલાક અઠવાડિયા સુધી સાવચેતી રાખવા અને વજન ન ઉપાડવાની સલાહ આપી છે.
શું હોય છે હેરલાઇન ફ્રેક્ચર?
હેરલાઇન ફ્રેક્ચર, જેને વૈજ્ઞાનિક ભાષામાં 'સ્ટ્રેસ ફ્રેક્ચર' પણ કહેવામાં આવે છે, તે હાડકામાં પડતી અત્યંત બારીક તિરાડ છે. આમાં હાડકું બે ટુકડામાં તૂટતું નથી, પરંતુ તેની સપાટી પર એક પાતળી રેખા જેવી ફાટ પડી જાય છે. જો તેની અવગણના કરવામાં આવે તો તે મોટું ફ્રેક્ચર બની શકે છે. આ પ્રકારની ઈજાને મટાડવા માટે સામાન્ય રીતે 4 થી 8 અઠવાડિયાનો સમય લાગે છે.
ઈરાન સંઘર્ષને શાંત કરવા ચાર દેશોનું મંથન
પાકિસ્તાનની રાજધાનીમાં રવિવારે મળેલી આ બેઠક અત્યંત મહત્વની હતી. જેમાં પાકિસ્તાન ઉપરાંત સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સામેલ થયા હતા. ઈરાન યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે આ સંઘર્ષ આખા મધ્ય પૂર્વમાં ફેલાય અને વૈશ્વિક ઉર્જા પુરવઠા (Energy Supply) ને અસર કરે તેવો ડર વધી રહ્યો છે. પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે 'બ્રિજ' તરીકે કામ કરી રહ્યું છે અને અમેરિકાનો 15-પોઈન્ટનો પ્રસ્તાવ ઈરાન સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યું છે.
અમેરિકા-ઈરાન વાટાઘાટોની યજમાની કરશે પાકિસ્તાન
ઇશાક ડારે જાહેરાત કરી છે કે, પાકિસ્તાન ટૂંક સમયમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી અથવા પરોક્ષ વાટાઘાટોની યજમાની કરશે. 29 માર્ચ 2026 ના રોજ મળેલી આ બેઠકનો મુખ્ય હેતુ યુદ્ધને સમાપ્ત કરવાનો અને તણાવ ઓછો કરવાનો હતો. પાકિસ્તાન આ મામલે પોતાની ન્યુટ્રલ છબી જાળવી રાખીને વૈશ્વિક સ્તરે શાંતિ દૂત તરીકે ઉભરી આવવા માંગે છે.





