Painted Elephant Pink: આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ વગર કંઈક અનોખું કરી બતાવવાની હોડ જામી છે, પરંતુ ક્યારેક આ હોડ માનવતાની સીમાઓ ઓળંગી જાય છે. સ્પેનના બાર્સેલોનાની એક પ્રખ્યાત ફોટોગ્રાફર જુલિયા અત્યારે નેટિઝન્સના નિશાના પર છે. કારણ છે તેની 'ક્રિએટિવિટી'. જુલિયાએ તેના ફોટોશૂટ માટે એક જીવતા હાથીને આખેઆખો ગુલાબી રંગથી રંગી દીધો હતો. આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ લોકોએ તેને આકરી ફટકાર લગાવી છે અને આને 'એનિમલ એબ્યુઝ' એટલે કે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા ગણાવી છે.
વિદેશી ફોટોગ્રાફર જુલિયાએ ગર્વ સાથે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "મેં આમાં AI (Artificial Intelligence) નો ઉપયોગ નથી કર્યો." તેની આ વાત જ હવે તેના માટે ગળાનો ફાંસો બની છે. લોકો કહી રહ્યા છે કે, જો આટલી કલ્પના જ કરવી હતી તો AI નો ઉપયોગ કરીને ડિજિટલ એડિટિંગ કરી શક્યા હોત, એક અબોલ જીવ પર રંગો ચઢાવવાની શું જરૂર હતી? 'પિંક સિટી' સીરીઝના નામે કરાયેલા આ પ્રયોગે કલા અને નૈતિકતા વચ્ચેની ચર્ચાને ફરી એકવાર તેજ કરી દીધી છે.
ત્રણ મહિના જૂના ફોટા અને હવે વિવાદનું વંટોળ
હકીકતમાં આ ફોટોશૂટ ત્રણ મહિના પહેલા એટલે કે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું. તે સમયે પણ જુલિયાને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તાજેતરમાં 20 માર્ચના રોજ તેણે હાથીને રંગવાની આખી પ્રક્રિયાનો વીડિયો શેર કર્યો, જેનાથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હાથીના શરીર પર ગુલાબી રંગના પડ ચઢાવવામાં આવી રહ્યા છે.
![]()
આ પણ વાંચો: WhatsAppમાં આવશે નવું ધમાકેદાર ફીચર : હવે હજારો અનરીડ મેસેજ વાંચવાની ઝંઝટ ખતમ, AI તૈયાર કરી આપશે ચેટની શોર્ટ 'સમરી'
ઓર્ગેનિક રંગોનો બચાવ કામ ન આવ્યો
જ્યારે વિવાદ વધ્યો ત્યારે ફોટોગ્રાફરે સફાઈ આપતા કહ્યું હતું કે, હાથી પર જે રંગ વાપરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે 'ઓર્ગેનિક' છે અને તે સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવ્યો છે. તેણે દલીલ કરી હતી કે, ભારતમાં હોળીના તહેવારમાં પણ લોકો આવા રંગો વાપરે છે, તેથી હાથીને કોઈ નુકસાન નહીં થાય. જોકે, નેટિઝન્સ આ દલીલ સ્વીકારવા તૈયાર નથી. એક યુઝરે લખ્યું, "ઓર્ગેનિક રંગ લગાવવાથી તમારી આ બેજવાબદારી સાચી નથી ઠરતી."
નેટિઝન્સે લગાવી ફટકાર: 'આ હાથી છે, તમારું કેનવાસ નહીં'
સોશિયલ મીડિયા પર જુલિયાના આ કામની આકરી ટીકા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે:
એનિમલ એબ્યુઝ: પ્રાણીને માત્ર એક ફોટા માટે રંગી દેવો તે તેની આઝાદી અને ગરિમાનું હનન છે.
કલાની આડમાં ક્રૂરતા: કલાકાર હોવાનો અર્થ એ નથી કે તમે જીવતા પ્રાણીઓને તમારી ઈચ્છા મુજબ વાપરો.
ખોટો સંદેશ: એક યુઝરે લખ્યું કે, ક્રિએટિવ ફ્રીડમ એ બેજવાબદાર હોવાનો પાસ નથી.
આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિરુદ્ધ રિયાલિટીની લડાઈ?
જુલિયાએ વારંવાર ભાર મૂક્યો છે કે તે તેના કામમાં AI નો ઉપયોગ નથી કરતી. તે દુનિયાના અલગ-અલગ ખૂણે ફરીને 'લોકલ લાઈફ' બતાવવા માંગે છે. પરંતુ આ કિસ્સામાં, ટેકનોલોજીનો ઉપયોગ ન કરવાની તેની જીદે જ તેને વિવાદમાં લાવી દીધી છે. લોકોનું માનવું છે કે અસલી આર્ટ એ છે જે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર સર્જાય.





