Home Sports Ishan Kishan Catch Me If You Can Post Aditi Hundia Comment Ipl 2026

ઇશાન કિશને 'પાંચ શબ્દો' ની પોસ્ટથી પંજાબની આબરૂ ઉતારી! : ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પણ લીધી મજા

Ishan Kishan and Aditi Hundia
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: May 07, 2026, 10:06 AM IST

Ishan Kishan : IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં મેદાન પર રમત જેટલી રોમાંચક હતી, તેટલી જ ચર્ચા મેચ બાદ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. સનરાઇઝર્સની જીતના હીરો રહેલા ઇશાન કિશને પંજાબની નબળી ફિલ્ડિંગનો જે રીતે ફાયદો ઉઠાવ્યો અને ત્યારબાદ જે પોસ્ટ કરી, તેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમાં પણ તેની કથિત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાની કોમેન્ટે આ આખી ઘટનામાં રમૂજ ઉમેરી દીધી છે.

હૈદરાબાદની ધમાકેદાર બેટિંગ અને પંજાબની મુશ્કેલી

બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ પંજાબના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબની ટીમ દબાણમાં જોવા મળી હતી. SRH એ પ્રથમ બેટિંગ કરતાં 236 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઇશાન કિશન અને હેનરિક ક્લાસેને શાનદાર બેટિંગ કરી હતી. પંજાબની ટીમ આ પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી અને તેમને 33 રને હારનો સામનો કરવો પડ્યો. આ પંજાબની સતત ત્રીજી હાર હતી.

ઇશાન કિશનના ત્રણ જીવનદાનની કહાની

આ મેચમાં ઇશાન કિશનનું નસીબ જોર કરી રહ્યું હોય તેવું લાગતું હતું. પંજાબના ફિલ્ડરોએ ઇશાનને આઉટ કરવા માટે એક-બે નહીં પણ ત્રણ સોનેરી તકો ગુમાવી હતી. સૌથી પહેલા આઠમી ઓવરમાં કૂપર કોનોલીએ બાઉન્ડ્રી પર તેનો સાવ સરળ કેચ છોડ્યો હતો. ત્યારબાદ 11 મી ઓવરમાં લોકી ફર્ગ્યુસને પણ કેચ ટપકાવ્યો હતો. આટલું ઓછું હોય તેમ, પ્રભસિમરન સિંહે પણ સ્ટમ્પિંગની એક મોટી તક ગુમાવી દીધી હતી. આ ત્રણ જીવનદાનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને ઇશાન કિશને માત્ર 32 બોલમાં 55 રન ફટકારી નાખ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ પર ઇશાનનો જોરદાર કટાક્ષ

મેચ જીત્યા બાદ ઇશાન કિશને ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. જોકે, તસવીરો કરતાં તેના કેપ્શને વધારે વાહવાહી મેળવી હતી. ઇશાન કિશને લખ્યું, “Catch me if you can” (મને પકડી શકો તો પકડી જુઓ). આ પાંચ શબ્દોમાં તેણે પંજાબની નબળી ફિલ્ડિંગની આબરૂ ઉતારી દીધી હોય તેવું લાગતું હતું. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ અને ચાહકોએ પંજાબની ટીમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

અદિતિ હુંડિયાની કોમેન્ટ અને ચાહકોની પ્રતિક્રિયા

ઇશાનની આ પોસ્ટ પર જ્યારે અદિતિ હુંડિયાએ કોમેન્ટ કરી ત્યારે મામલો વધુ રસપ્રદ બન્યો હતો. અદિતિએ રમુજી અંદાજમાં પૂછ્યું, "તમને આવા કેપ્શન કોણ લખી આપે છે?" આ સવાલ બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ કે શું આ કેપ્શન અદિતિએ જ લખી આપ્યું હશે? ચાહકોએ આ કોમેન્ટ પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને રિપ્લાય આપ્યા હતા. માત્ર ઇશાન જ નહીં, પણ ક્લાસેનનો કેચ છોડનાર શશાંક સિંહની ફિલ્ડિંગ પર પણ સવાલો ઉભા થયા હતા, જેણે આ સિઝનમાં પાંચ કેચ છોડ્યા છે.

T20 વર્લ્ડ કપ પછી Ishan Kishan લગ્નના બંધનમાં બંધાશે!: કોણ છે "Pocket Dynamo" ની ફ્યુચર વાઇફ?, પરિવારે કર્યો મોટો ખુલાસો

પોઈન્ટ ટેબલ પર સનરાઇઝર્સનો દબદબો

આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ હવે IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. 11 મેચમાં 14 પોઈન્ટ સાથે તેમનું પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેમને હવે બાકીની ત્રણ મેચમાંથી માત્ર એક જ જીતની જરૂર છે. બીજી તરફ પંજાબ કિંગ્સ બીજા સ્થાને સરકી ગયું છે અને તેમને પ્લેઓફમાં પોતાની જગ્યા ટકાવી રાખવા માટે હવે પછીની મેચોમાં ફિલ્ડિંગમાં મોટો સુધારો કરવો પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now