Home International Iran Us Talks No War Pezeshkian Statement Gujarati

'યુદ્ધ નથી જોઈતું, પણ શરણાગતિ પણ નહીં સ્વીકારીએ' : ઈરાને ટ્રમ્પને આપ્યો સ્પષ્ટ સંદેશ; વાતચીત માટે રાખી શરત

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન પ્રેસ કોન્ફરન્સ
Published by: Viral Patel
Last Updated: Apr 15, 2026, 12:46 PM IST

Masoud Pezeshkian: અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયને બુધવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાન પોતાની તરફથી યુદ્ધની શરૂઆત કરવા માંગતું નથી અને અમે વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે તૈયાર છીએ. સાથે જ તેમણે પોતાના 'દુશ્મનો'ને ચેતવણી આપતા કહ્યું કે, જો તેમના પર દબાણ લાવવાનો કે શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેઓ ક્યારેય સફળ થશે નહીં.

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે તેહરાન ફરીથી વાતચીતની મેજ પર આવવા માટે તૈયાર છે, પરંતુ તે માટે અમેરિકાએ પહેલા પોતાની નાકાબંધી (બ્લોકેડ) હટાવવી પડશે. ઉલ્લેખનીય છે કે, ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું આ નિવેદન અમેરિકા સાથે વાટાઘાટોના બીજા રાઉન્ડની શક્યતાઓ વચ્ચે આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંકેત આપ્યા હતા કે ટૂંક સમયમાં જ ઈરાન સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો થઈ શકે છે. જોકે, તેમણે તે તો જણાવ્યું હતું કે વાતચીત ઈસ્લામાબાદમાં થશે, પરંતુ તે ક્યારે થશે તેની કોઈ માહિતી આપી ન હતી.

આ પણ વાંચો: UKમાં ભારતીય પ્રોફેશનલની મોટી ભૂલ : અંગ્રેજી 'ફર્સ્ટ લેંગ્વેજ' હોવાનું ખોટું બોલ્યા, નોકરી અને રજિસ્ટ્રેશન બંને ગુમાવ્યા

પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ૧૧ એપ્રિલે શાંતિ મંત્રણા થઈ હતી. આ વાટાઘાટો લગભગ ૨૧ કલાક સુધી ચાલી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું. જ્યારે ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદીય અધ્યક્ષ મોહમ્મદ-બઘેર ઘલીબાફના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આવ્યું હતું. બંને પક્ષો વચ્ચે મોડી રાત સુધી લાંબી વાતચીત થઈ હતી, પરંતુ કોઈ પણ નિર્ણય પર પહોંચી શકાયું ન હતું.

વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે, "અમારી વાત ન માની, હવે પરિણામ જુઓ." ત્યારબાદ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના રૂટ સહિત ઈરાનના તમામ બંદરોની નાકાબંધીની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈરાને કહ્યું હતું કે અમેરિકાએ તેમની શરતો સ્વીકારી નથી.

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની મહત્વપૂર્ણ વાતચીત : વૈશ્વિક સંકટ વચ્ચે શું સંકેત આપે છે આ સંવાદ?


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now