Home International Indian Professional Sai Kirtanas Lost Job And Registration Lying About English First Language

UKમાં ભારતીય પ્રોફેશનલની મોટી ભૂલ : અંગ્રેજી 'ફર્સ્ટ લેંગ્વેજ' હોવાનું ખોટું બોલ્યા, નોકરી અને રજિસ્ટ્રેશન બંને ગુમાવ્યા

Speech Therapist False information
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 05:31 AM IST

UK News: યુનાઇટેડ કિંગડમ (UK) માંથી ભારતીય મૂળના એક પ્રોફેશનલ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. યોર્ક એન્ડ સ્કારબરો ટીચિંગ હોસ્પિટલ્સ NHS ટ્રસ્ટમાં સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટ તરીકે કાર્યરત સાઈ કીર્તના શ્રીપેરંબુદુરુને તેમની સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ આખી ઘટના પાછળનું મુખ્ય કારણ અંગ્રેજી ભાષા પરની તેમની નબળી પકડ અને નોકરી મેળવવા માટે અરજી ફોર્મમાં આપવામાં આવેલી કથિત ખોટી માહિતી છે.

સામાન્ય રીતે જેનું કામ જ લોકોને બોલતા શીખવવાનું અને ભાષાની તકલીફો દૂર કરવાનું હોય, તે પોતે જ ભાષાકીય સમજણમાં થાપ ખાઈ જાય ત્યારે સંસ્થા માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થાય છે. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓની ફરિયાદ બાદ જ્યારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ કેસ હવે યુકેમાં વસતા અને નોકરી માટે અરજી કરતા વિદેશી નાગરિકો માટે એક ચેતવણી સમાન કિસ્સો બન્યો છે.

સહકર્મીઓ અને દર્દીઓને વાત સમજવામાં પડતી હતી મુશ્કેલી

સાઈ કીર્તનાએ ઓક્ટોબર 2023માં હોસ્પિટલ જોઈન કરી હતી. જોકે, ટૂંકા ગાળામાં જ હોસ્પિટલના અન્ય કર્મચારીઓએ નોંધ્યું કે કીર્તનાને અંગ્રેજી સમજવામાં ગંભીર સમસ્યાઓ થઈ રહી છે. સ્પીચ થેરાપિસ્ટ તરીકે તેમણે દર્દીઓ સાથે સતત સંવાદ કરવાનો હોય છે, પરંતુ તેઓ દર્દીઓની વાત પૂરી રીતે સમજી શકતા નહોતા. તેમના ઉચ્ચારણ અને વ્યાકરણમાં પણ ખામીઓ જોવા મળી હતી, જેના કારણે હોસ્પિટલના કામકાજ પર અસર પડી રહી હતી.

આ પણ વાંચો: મોંઘવારીનો માર કે રાહત? : 15 એપ્રિલે જારી થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં આજે શું છે રેટ

'પ્રથમ ભાષા'ના દાવા પર ફસાયા

આ વિવાદનું સૌથી મોટું પાસું નોકરી માટેનું અરજી ફોર્મ હતું. કીર્તનાએ ફોર્મમાં 'અંગ્રેજી'ને પોતાની પ્રથમ ભાષા (First Language) તરીકે દર્શાવી હતી. જ્યારે હોસ્પિટલ પ્રશાસને તપાસ કરી તો ખબર પડી કે તેમની માતૃભાષા તેલુગુ છે. તપાસ દરમિયાન કીર્તનાએ સ્વીકાર્યું હતું કે તેઓ નોકરીની સાથે-સાથે અંગ્રેજી સુધારવા માટે ક્લાસ પણ લઈ રહ્યા હતા.

પેનલ સમક્ષ કીર્તનાએ દલીલ કરી હતી કે તેમનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં થયો હોવાથી તેમને લાગ્યું કે તેઓ તેને પ્રથમ ભાષા તરીકે લખી શકે છે. જોકે, યુકેના નિયમો મુજબ, પ્રથમ ભાષા એ જ ગણાય જેનો ઉપયોગ વ્યક્તિ બાળપણથી ઘર અને રોજિંદા જીવનમાં મુખ્યત્વે કરતો હોય.

ઇન્ટરવ્યુ દરમિયાનની 'ચેટ બોક્સ'ની વિનંતીએ શંકા જન્માવી

કેસની સુનાવણી દરમિયાન મેનેજરે એક વિચિત્ર વિગત જણાવી હતી. તેમણે કહ્યું કે ઇન્ટરવ્યુ દરમિયાન કીર્તનાએ વિનંતી કરી હતી કે પ્રશ્નો ચેટ બોક્સમાં લખીને પૂછવામાં આવે. તે સમયે તેઓ યુકેમાં જ હોવા છતાં આમને-સામને વાતચીત ટાળવાનો આ પ્રયાસ અસામાન્ય માનવામાં આવ્યો હતો. પેનલનું માનવું હતું કે આ તેમની અંગ્રેજી બોલવાની અને સમજવાની નબળાઈ છુપાવવાનો એક માર્ગ હતો.

ટ્રિબ્યુનલનો કડક નિર્ણય: 'આ છેતરપિંડી છે'

સમગ્ર મામલો ટ્રિબ્યુનલમાં પહોંચતા પેનલે કીર્તનાની દલીલો ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે અરજી ફોર્મમાં ખોટી માહિતી આપવી એ ગંભીર બાબત છે અને તેને 'બેઇમાની' અથવા છેતરપિંડી ગણવામાં આવશે. ફક્ત અંગ્રેજીમાં અભ્યાસ કરવાથી તે કોઈની માતૃભાષા કે પ્રથમ ભાષા બની જતી નથી. આ ગંભીર ક્ષતિ બદલ તેમને પ્રોફેશનલ રજિસ્ટરમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે હવે તેઓ આ ક્ષેત્રમાં ત્યાં પ્રેક્ટિસ કરી શકશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now