Home Sports IPL 2026 Ipl 2026 Tv Viewership Drop Reasons Gujarati

ચોગ્ગા-છગ્ગાના વરસાદ છતાં IPL કેમ પડી રહી છે ફિક્કી? : જાણો એક સમયની સૌથી હિટ લીગ હવે કેમ ગુમાવી રહી છે દર્શકોનો પ્રેમ

IPL Trophy
Published by: Aryan Shah
Last Updated: May 12, 2026, 11:48 AM IST

IPL 2026 : ભારતમાં ક્રિકેટ એ માત્ર રમત નથી પણ એક લાગણી છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ IPL નો જાદુ લોકોના માથે ચઢીને બોલતો હોય છે. પરંતુ વર્ષ 2026 ની આ 19 મી સિઝન BCCI અને બ્રોડકાસ્ટર્સ માટે ચિંતાના સમાચાર લઈને આવી છે. મીડિયા રિપોર્ટ્સ અને રેટિંગ એજન્સીઓના આંકડા દર્શાવે છે કે, આ વખતે ટીવી વ્યુઅરશિપમાં 25 થી 26 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. જે ટુર્નામેન્ટ હંમેશા રેકોર્ડ તોડતી હતી, તે આ વખતે પ્રેક્ષકોને ટીવી સ્ક્રીન સામે જકડી રાખવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે.

ટીવી રેટિંગમાં મોટો ગાબડો

BARC ઇન્ડિયા અને TAM સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા આંચકાજનક છે. આ સિઝનમાં ટીવી રેટિંગ્સ 4.57 થી ઘટીને સીધા 3.71 પર આવી ગયા છે. ગયા વર્ષે IPL ની પહોંચ લગભગ 530 મિલિયન દર્શકો સુધી હતી, જે આ વખતે નોંધપાત્ર રીતે ઘટી છે. સરેરાશ વ્યુઅરશિપ જે પહેલા 10.6 મિલિયન રહેતી હતી, તે હવે ઘટીને 7.84 મિલિયન પર અટકી ગઈ છે. જોકે ડિજિટલ પ્લેટફોર્મ પર સંખ્યા વધી છે, પરંતુ ટીવી જોનારા પરંપરાગત પ્રેક્ષકોનો મોહભંગ થયો છે.

સપાટ પિચ અને બેટિંગનો અતિરેક

ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કા અને ક્રિકેટ વિવેચકોએ પિચની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. IPL 2026 માં પિચો એટલી હદે બેટ્સમેનોને અનુકૂળ બનાવવામાં આવી છે કે, 200 કે 250 રનનો સ્કોર હવે કોઈ મોટી વાત નથી રહી. જ્યારે સ્કોરબોર્ડ પર સતત વિશાળ સ્કોર બને છે, ત્યારે રમતની 'અનિશ્ચિતતા' ખતમ થઈ જાય છે. પંજાબે દિલ્હી સામે 265 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો તે દર્શાવે છે કે, બોલરો માટે આ રમતમાં હવે કોઈ સ્થાન બચ્યું નથી. ફેન્સને રસાકસી ભરી મેચ ગમે છે, માત્ર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ નહીં.

ઇમ્પેક્ટ પ્લેયર નિયમની નકારાત્મક અસર

વ્યુઅરશિપ ઘટવા પાછળ 'ઇમ્પેક્ટ પ્લેયર' નિયમ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. આ નિયમને કારણે ટીમો એક વધારાનો બેટ્સમેન રમાડી શકે છે, જેનાથી બેટિંગ લાઇન-અપ ખૂબ લાંબી થઈ જાય છે. પરિણામે, બેટ્સમેનો કોઈ પણ ડર વગર આક્રમક રમત રમે છે. આનાથી ઓલરાઉન્ડરોની ભૂમિકા ખતમ થઈ ગઈ છે અને રમતનું સંતુલન બગડ્યું છે. રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓએ પણ સ્વીકાર્યું છે કે, આ નિયમ ભારતીય ક્રિકેટના લાંબા ગાળાના હિતમાં નથી, કારણ કે તે રમતની વ્યૂહરચનાને સરળ બનાવી દે છે.

શું અક્ષરે જાણી જોઈને છોડ્યો હતો કેચ?: ચાહકો લગાવી રહ્યાં છે મેચ ફિક્સિંગના ગંભીર આરોપ, મુશ્કેલીમાં મુકાયો DC નો કેપ્ટન

સ્ટાર પાવર અને ફેન્સ એન્ગેજમેન્ટ

IPL ની સફળતાનો મોટો આધાર એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો પર રહ્યો છે. આ સિઝનમાં આ ત્રણેય સ્ટાર્સ સાથે જોડાયેલા કેટલાક પરિબળોએ વ્યુઅરશિપને અસર કરી છે. ધોની હવે માત્ર અંતિમ ઓવરોમાં જ જોવા મળે છે પણ આ વખતે ઈજાને કારણે તે રમતા જોવા મળ્યા નથી, જ્યારે રોહિત શર્મા આ સિઝનની ઘણી મેચોમાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રહ્યો અથવા માત્ર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો. જ્યારે ફેન્સના ફેવરિટ ખેલાડીઓ મેદાન પર પૂરો સમય નથી હોતા, ત્યારે તેમની રુચિ મેચ જોવામાં ઓછી થઈ જાય છે.

હારની કગાર પર હતી દિલ્હી... પછી 8 બોલમાં બાજી પલટાઈ ગઈ!: જે કામ મિશેલ સ્ટાર્ક ન કરી શક્યો તે કામ 22 વર્ષીય યુવા ખેલાડીએ કરી બતાવ્યું!

જાહેરાતોમાં ઘટાડો અને બદલાતી આદતો

વ્યુઅરશિપ ઘટવાની સીધી અસર બ્રોડકાસ્ટર્સની કમાણી પર પડી છે. ટીવી પર જાહેરાત આપતી કંપનીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાસ કરીને 2025 માં રિયલ મની ગેમિંગ (ફૅન્ટેસી ક્રિકેટ એપ્સ) પરના પ્રતિબંધને કારણે એક મોટો એડવર્ટાઈઝિંગ સ્લોટ ખાલી પડ્યો છે. આ સિવાય, આજના યુગમાં લોકો 4 કલાકની આખી મેચ જોવાને બદલે સોશિયલ મીડિયા પર શોર્ટ ક્લિપ્સ કે હાઇલાઇટ્સ જોવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે ટીવી રેટિંગ્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now