Home Sports IPL 2026 Ipl 2026 Suyash Sharma Record 20 Dot Balls Rcb Vs Dc

18 વર્ષમાં કોઈ ન કરી શક્યું તે આ ખેલાડીએ કરી બતાવ્યું! : 24 માંથી 20 ડોટ બોલ સાથે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

Royal Challengers Bangalore
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Apr 28, 2026, 01:29 PM IST

IPL 2026 : IPL 2026 ની સિઝન અત્યારે તેના રોમાંચક તબક્કે છે, જ્યાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની 39 મી મેચે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. આ સિઝનમાં બેટ્સમેનોના દબદબા વચ્ચે DC vs RCB ની મેચમાં એક 22 વર્ષીય યુવા લેગ-સ્પિનર સુયશ શર્માએ પોતાની જાદુઈ આંગળીઓના ટેરવે દિલ્હીના બેટ્સમેનોને નચાવ્યા હતા. સુયશે આ મેચમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે, જે IPL ના 18 વર્ષના લાંબા ઇતિહાસમાં અગાઉ ક્યારેય કોઈ સ્પિનરે મેળવી નહોતી.

ઐતિહાસિક રેકોર્ડ અને ડોટ બોલની સુનામી

અરુણ જેટલી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનોને મદદગાર સાબિત થતી હોય છે, પરંતુ સુયશ શર્માએ અહીં પોતાની સ્પિનનું જાળ બિછાવ્યું હતું. તેને પોતાના 4 ઓવરના ક્વોટામાં કુલ 24 બોલ ફેંક્યા, જેમાંથી આશ્ચર્યજનક રીતે 20 બોલ 'ડોટ' રહ્યા હતા. એટલે કે, દિલ્હીના બેટ્સમેનો તેની સામે 20 બોલમાં એક પણ રન બનાવી શક્યા નહોતા. આ સાથે જ તેને એક જ ઇનિંગમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાના મામલે ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહરના 2019 ના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોઈપણ સ્પિનર માટે આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

સૌથી કરકસરયુક્ત અને ધારદાર સ્પેલ

સુયશ શર્માની બોલિંગ માત્ર ડોટ બોલ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેને રન આપવાના મામલે પણ અત્યંત કંજૂસી કરી હતી. તેને 4 ઓવરમાં માત્ર 7 જ રન ખર્ચ્યા હતા, જેમાંથી 3 રન તો વાઇડ બોલ દ્વારા આવ્યા હતા. તેની બોલિંગનો ઇકોનોમી રેટ માત્ર 1.75 ની હતી. IPL ઇતિહાસમાં 4 ઓવરની બોલિંગમાં આ સંયુક્ત રીતે બીજો સૌથી ઓછો ઇકોનોમી રેટ છે. આ લિસ્ટમાં પ્રથમ સ્થાને યુઝવેન્દ્ર ચહલ (1.5 ઇકોનોમી) છે, અને હવે સુયશે આ લિસ્ટમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી દીધું છે.

ડેબ્યૂથી RCB સુધીની સફર

સુયશ શર્માના ટેલેન્ટની ઓળખ 2023 માં થઈ હતી જ્યારે તેને કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ મેચમાં તેને RCB સામે 3 મહત્વની વિકેટો લઈને સનસનાટી મચાવી હતી. સંજોગોવશાત, 2025 માં RCB એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો અને ત્યારથી તે વિરાટ કોહલીની ટીમનો મુખ્ય હથિયાર બની ગયો છે. અત્યાર સુધીમાં રમાયેલી 34 IPL મેચોમાં તેને 24 વિકેટ ઝડપી છે, પરંતુ 2026 ની આ સિઝનમાં તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે.

સુયશની બોલિંગની ખાસિયત અને ટેકનિક

ક્રિકેટ એક્સપર્ટ્સ સુયશની બોલિંગ શૈલીની સરખામણી રવિ બિશ્નોઈ સાથે કરે છે. તેની સૌથી મોટી ખાસિયત તેની હવામાં રહેલી ગતિ અને ઝડપી આર્મ એક્શન છે. સામાન્ય લેગ-સ્પિનરો બોલને ઘણો ઉછાળતા હોય છે, જ્યારે સુયશ બોલને નીચો અને ઝડપી રાખે છે, જેના કારણે બેટ્સમેનને શોટ રમવા માટે પગનો ઉપયોગ કરવાનો સમય મળતો નથી. તેની 'ગુગલી' પારખવી કોઈપણ મોટા બેટ્સમેન માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આ જ કારણ છે કે, તે ડેથ ઓવર્સમાં પણ એટલો જ અસરકારક સાબિત થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now