Home Sports IPL 2026 Ipl 2026 Punjab Record Chase Shreyas Shashank Controversy

શ્રેયસ ઐયર અને શશાંક સિંહ વચ્ચે જામી ઉગ્ર બોલાચાલી! : હજારો પ્રેક્ષકોની હાજરીમાં કેપ્ટન કેમ થયો ગુસ્સો?

Shreyas Iyer and Shashank Singh
Image Credit: IPL
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 05:39 AM IST

IPL 2026 : IPL 2026 માં 25 એપ્રિલનો દિવસ ઇતિહાસના પાનામાં નોંધાઈ ગયો છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ માત્ર રનનો વરસાદ જ નહીં પરંતુ મેદાન પર ખેલાડીઓ વચ્ચેના તણાવ માટે પણ યાદ રાખવામાં આવશે. પંજાબ કિંગ્સે IPL ઇતિહાસનો સૌથી સફળ રન ચેઝ પૂર્ણ કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. જોકે આ રોમાંચક જીતની સાથે જ કેપ્ટન શ્રેયસ ઐયર અને શશાંક સિંહ વચ્ચેની બોલાચાલીએ સોશિયલ મીડિયા પર ગરમાવો લાવી દીધો છે.

દિલ્હીની બેટિંગ : કેએલ રાહુલનું તોફાન અને વિરાટ સ્કોર

મેચની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. દિલ્હીના બેટ્સમેનોએ પંજાબના બોલરોની રીતસરની ધોલાઈ કરી હતી. વિકેટકીપર કેએલ રાહુલે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા માત્ર 67 બોલમાં નોટઆઉટ 152 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે જે હવે IPL માં કોઈ ભારતીય બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. કેએલ રાહુલને નીતિશ રાણાનો પૂરો સાથ મળ્યો જેને 44 બોલમાં 91 રન ફટકાર્યા હતા. બંને વચ્ચેની 220 રનની પાર્ટનરશીપને પ્રતાપે દિલ્હીએ 20 ઓવરમાં 264 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

પંજાબનો વળતો પ્રહાર : રેકોર્ડબ્રેક ઇતિહાસની રચના

265 રનના અશક્ય લાગતા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પ્રથમ ઓવરથી જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. પ્રભસિમરન સિંહે માત્ર 26 બોલમાં 76 રન બનાવીને પંજાબને આક્રમક શરૂઆત અપાવી હતી જ્યારે પ્રિયાંશ આર્યએ 17 બોલમાં 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. અંતમાં કેપ્ટન શ્રેયસ ઐયરે જવાબદારી પૂર્વક બેટિંગ કરતાં 36 બોલમાં નોટઆઉટ 71 રન બનાવીને ટીમને 18.5 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. આ સાથે પંજાબે 2024 માં બનાવેલો પોતાનો જ 262 રનનો રન ચેઝનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મેદાન પરનો ડ્રામા : શ્રેયસ અને શશાંક વચ્ચે તણાવ

જ્યારે મેચ રોમાંચક વળાંક પર હતી ત્યારે 18 મી ઓવરના ડ્રિંક્સ બ્રેક દરમિયાન ટીવી કેમેરામાં કંઈક અલગ જ દ્રશ્યો કેદ થયા હતા. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર સાથી ખેલાડી શશાંક સિંહ પર ભારે ગુસ્સે થતા જોવા મળ્યા હતા. શ્રેયસ ખૂબ જ આક્રમક રીતે શશાંકને કંઈક સમજાવી રહ્યો હતો અથવા ઠપકો આપી રહ્યો હતો. શશાંક સિંહ પણ પોતાની વાત રજૂ કરી રહ્યો હતો પરંતુ કેપ્ટનનો ગુસ્સો શાંત થવાનું નામ નહોતો લેતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

શું હતું વિવાદનું કારણ? ફિલ્ડિંગની ખામી કે બીજું કંઈ?

જોકે આ બોલાચાલી પાછળનું સત્તાવાર કારણ જાહેર કરાયું નથી પણ નિષ્ણાતોનું માનવું છે કે, આ વિવાદ શશાંક સિંહની નબળી ફિલ્ડિંગને લઈને હતો. દિલ્હીની બેટિંગ દરમિયાન શશાંકે કેએલ રાહુલનો અત્યંત સરળ કેચ છોડ્યો હતો, જેના કારણે રાહુલે 152 રન બનાવી લીધા હતા. આ સિઝનમાં શશાંકનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે તેને 7 મેચમાં 70 રન બનાવ્યા છે અને 3 વિકેટ લીધી છે પરંતુ મહત્વની ક્ષણે કેચ છોડવો કેપ્ટનને ગમ્યું ન હોય તેમ લાગે છે.

પોઈન્ટ ટેબલ પર પંજાબનું વર્ચસ્વ

આ ઐતિહાસિક જીત બાદ પંજાબ કિંગ્સ IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. ટીમ અત્યાર સુધી આ સિઝનમાં અજેય રહી છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ આ હાર બાદ 7 મેચમાં 3 જીત સાથે છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયું છે. હવે પંજાબનો આગામી મુકાબલો 28 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે થશે જ્યારે દિલ્હી 27 એપ્રિલે RCB સામે ટકરાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now