IPL 2026 : IPL 2026 ની સિઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. લીગ મેચોનો અડધો સફર પૂર્ણ થતાંની સાથે જ પ્લેઓફની રેસમાં રોમાંચક વળાંક આવ્યો છે. કેટલીક ટીમો મજબૂત સ્થિતિમાં છે, તો કેટલીક ટીમો માટે હવે દરેક મેચ ફાઇનલ જેવી બની ગઈ છે. ખાસ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે હવે પ્લેઓફનો રસ્તો અત્યંત કઠિન દેખાઈ રહ્યો છે.
KKR માટે કરો કે મરોની સ્થિતિ
કોલકાતા નાઈટ રાઈડર્સ હાલ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે એટલે કે, તળિયે છે. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં ટીમ માત્ર એક જ જીત મેળવી શકી છે, જ્યારે એક મેચ રદ થવાથી તેમને એક પોઈન્ટ મળ્યો હતો. ટીમનો નેટ રનરેટ (-0.879) ખૂબ જ નબળો છે. ઇતિહાસ ગવાહ છે કે, પ્લેઓફ માટે ઓછામાં ઓછા 16-18 પોઈન્ટ્સ જરૂરી હોય છે. આથી, હવે એક પણ હાર KKR ને સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે. બાકીની મેચોમાં તેમને માત્ર જીતવું જ નહીં, પણ મોટા અંતરથી જીતવું પડશે.
CSK નું ધમાકેદાર કમબેક
એક સમયે પોઈન્ટ્સ ટેબલમાં તળિયે રહેલી મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર કમબેક કર્યું છે. પોતાની છેલ્લી 4 માંથી 3 મેચ જીતીને CSK એ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, CSK ના બેટ્સમેનોએ 208 રનનો સ્કોર ખડક્યો હતો, અને જવાબમાં તેમના બોલરોએ મુંબઈને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ 103 રનની જીતે CSK ને 6 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને પહોંચાડી દીધી છે, જે તેમનામાં નવો આત્મવિશ્વાસ ભરી રહી છે.
મુંબઈ અને લખનઉ માટે સંકટ
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની હાલત પણ કોલકાતા જેવી જ ચિંતાજનક છે. બંને ટીમોએ 7 મેચ રમી છે અને માત્ર 2-2 જીત મેળવી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ ટીમોએ હવે સતત સારા પરફોર્મન્સની જરૂર છે. જો તેઓ આગામી મેચોમાં ભૂલોનું પુનરાવર્તન કરશે, તો તેમની પ્લેઓફની આશા પર પાણી ફરી વળશે. આ બંને ટીમો માટે દરેક મેચ હવે એક અગ્નિપરીક્ષા સમાન છે.
ટોપ-4 ટીમોનું વર્ચસ્વ
અત્યાર સુધીની લીગમાં પંજાબ કિંગ્સ સૌથી મજબૂત ટીમ સાબિત થઈ છે. PBKS એ 6 મેચમાં 5 જીત સાથે 11 પોઈન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. રાજસ્થાન રોયલ્સ પણ 7 માંથી 5 જીત સાથે 10 પોઈન્ટ્સ મેળવીને બીજા સ્થાને મક્કમ છે. જ્યારે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને 8-8 પોઈન્ટ્સ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ ટીમોનું ક્વોલિફાય થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ગુજરાત અને દિલ્હી પાસે છે વધુ તકો
ગુજરાત અને દિલ્હીની ટીમો હાલ ટેબલમાં છઠ્ઠા અને સાતમા સ્થાને છે, પરંતુ તેમના ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. આ બંને ટીમોએ હજુ લીગ રાઉન્ડની 8 મેચ રમવાની બાકી છે. વધુ મેચો બાકી હોવાથી તેમને ટેબલની ઉપરની ટીમો સાથે સ્પર્ધા કરવાની અને વધુ પોઈન્ટ્સ એકત્રિત કરીને ટોપ-4 માં સ્થાન મેળવવાની વધુ તકો મળી છે. જો તેઓ આ બાકી રહેલી મેચોમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરશે, તો પ્લેઓફનું તેમનું સપનું જરૂર પૂરું થઈ શકે છે.






