IPL 2026 : IPL 2026 ની સૌથી ચર્ચિત મેચોમાંની એક મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરતાં મુંબઈને તેના જ ઘરેલુ મેદાન પર મોટા અંતરથી હરાવ્યું છે. જોકે, આ મેચ માત્ર હાર-જીત માટે જ નહીં, પરંતુ એક એવી ઘટના માટે યાદ રાખવામાં આવશે જે IPL ના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. મુંબઈની ટીમમાં નિયમ મુજબ 11 ખેલાડીઓ હોવા જોઈએ, પરંતુ આ મેચમાં 13 ખેલાડીઓ એક્શનમાં જોવા મળ્યા હતા.
મેદાનમાં 13 ખેલાડીઓનો અજીબ કિસ્સો
ગુરુવારે રમાયેલી IPL ની 33 મી મેચમાં ફેન્સ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે શાર્દુલ ઠાકુર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા. નવાઈની વાત એ હતી કે, શાર્દુલ ઠાકુર ન તો મુંબઈની શરૂઆતની 'પ્લેઈંગ ઈલેવન' નો ભાગ હતા, ન તો તેમને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા. મુંબઈએ અગાઉ જ અલ્લાહ ગઝનફરના સ્થાને દાનિશ માલેવરનો ઈમ્પેક્ટ સબ તરીકે ઉપયોગ કરી લીધો હતો. આમ છતાં શાર્દુલ ઠાકુર 13 મા ખેલાડી તરીકે મેદાનમાં આવતા નિયમોને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી.
શાર્દુલ ઠાકુરની એન્ટ્રી પાછળનું ટેકનિકલ કારણ
શાર્દુલ ઠાકુરના મેદાનમાં પ્રવેશવા પાછળનું મુખ્ય કારણ 'કન્કશન સબસ્ટિટ્યુટ' (Concussion Substitute) નિયમ હતો. મેચની પહેલી ઇનિંગમાં મિશેલ સેન્ટનર એક મુશ્કેલ કેચ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને ખભા અને માથાના ભાગે ઈજા થઈ હતી. સેન્ટનરે તે પહેલા 4 ઓવરમાં 44 રન આપી 1 વિકેટ લીધી હતી. પરંતુ ઈજા ગંભીર હોવાથી મેચ રેફરીની પરવાનગી સાથે શાર્દુલ ઠાકુરને તેમની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, શાર્દુલ બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યો નહીં અને 12 બોલમાં માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો.
સંજુ સેમસનનો સેન્ચુરી સાથે ધમાકો
મેચની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેનોના દબદબા સાથે થઈ હતી. ખાસ કરીને સંજુ સેમસને વાનખેડેના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી હતી. સંજુએ માત્ર 54 બોલનો સામનો કરતાં 101 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. આ તેની IPL કારકિર્દીની 5 મી અને આ સિઝનની બીજી સેન્ચુરી હતી. સંજુની આ વિસ્ફોટક બેટિંગના સહારે ચેન્નઈએ નિર્ધારિત 20 ઓવરમાં 207 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો, જે મુંબઈ માટે મુશ્કેલ લક્ષ્યાંક સાબિત થયો.
મુંબઈની બેટિંગ લાઇનઅપ પત્તાની જેમ વિખેરાઈ
208 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. નૂર અહેમદે તરખાટ મચાવતા હાર્દિક પંડ્યા અને શેરફેન રૂધરફોર્ડને સતત બે બોલ પર આઉટ કરીને મુંબઈની કમર તોડી નાખી હતી. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ સિવાયનો કોઈ પણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યો નહોતો. આખી ટીમ 19 ઓવરમાં માત્ર 104 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે, ચેન્નઈ સુપર કિંગ્સે 103 રનના રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત મેળવી પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે.





