સ્પેસ સ્ટેશનનો અંતિમ પ્રવાસ: પ્રશાંત મહાસાગરમાં ક્રેશ કરાશે
પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર છેલ્લા 25 વર્ષથી માનવતાની સૌથી મોટી અવકાશ પ્રયોગશાળા તરીકે કાર્યરત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકી સ્પેસ એજન્સી NASA એ વર્ષ 2028 થી પ્રક્રિયા શરૂ કરીને વર્ષ 2030 સુધીમાં તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાડી દેવાની યોજના જાહેર કરી છે. આ ઐતિહાસિક મિશન માટે NASA એ 1 અબજ ડોલર (લગભગ 9500 કરોડ રૂપિયા) નો ખાસ પ્લાન તૈયાર કર્યો છે.
શા માટે લેવાયો આ મોટો નિર્ણય?
ISS તેની નિર્ધારિત ઉંમર પૂરી કરી ચૂક્યું છે અને તેનો કાર્યકાળ અગાઉ પણ ઘણી વખત લંબાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્પેસ સ્ટેશનમાં સતત ટેકનિકલ ખામીઓ અને એર લીક (હવા લીકેજ) ની સમસ્યાઓ સામે આવી રહી છે. આ વૃદ્ધ થઈ રહેલા સ્ટેશનને ભ્રમણકક્ષામાં સુરક્ષિત રાખવા માટે દર વર્ષે અબજો ડોલરનો મોટો ખર્ચ થાય છે. NASA હવે તેના સંસાધનો અને બજેટને ચંદ્ર (Moon) અને મંગળ (Mars) મિશન પર કેન્દ્રિત કરવા માંગે છે, તેથી ISS ને સન્માનજનક અને સુરક્ષિત રીતે નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
કેવી રીતે થશે સ્પેસ સ્ટેશનનો અંત?
લગભગ 4,50,000 કિલોગ્રામ વજન ધરાવતા આ વિશાળ સ્પેસ સ્ટેશનને આમ જ અનિયંત્રિત રીતે પૃથ્વી પર પડવા દેવામાં આવશે નહીં. વર્ષ 2028 ની આસપાસ સ્ટેશનને તેની કક્ષામાં જાળવી રાખવાની પ્રક્રિયા ધીમે ધીમે બંધ કરાશે. NASA એ આ માટે સ્પેસએક્સ (SpaceX) કંપની સાથે કરાર કર્યો છે, જે એક ખાસ 'યુએસ ડીઓર્બિટ વ્હીકલ' (US Deorbit Vehicle) તૈયાર કરશે. આ ખાસ સ્પેસક્રાફ્ટની મદદથી ISS ને નિયંત્રિત રીતે પૃથ્વીના વાતાવરણમાં ધકેલવામાં આવશે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ તીવ્ર ઘર્ષણ અને ગરમીના કારણે સ્ટેશનનો મોટો ભાગ બળીને ભસ્મ થઈ જશે.
કાટમાળ ફેંકવા માટે 'પોઇન્ટ નીમો' કેમ પસંદ કરાયું?
વાતાવરણમાં બળી ગયા પછી પણ સ્પેસ સ્ટેશનના કેટલાક મજબૂત અને ભારે ટુકડાઓ પૃથ્વી પર પડી શકે છે. માનવ વસ્તીને કોઈ નુકસાન ન થાય તે માટે NASA એ દક્ષિણ પ્રશાંત મહાસાગરના એક અત્યંત દૂરના અને નિર્જન વિસ્તારને પસંદ કર્યો છે, જેને 'પોઇન્ટ નીમો' (Point Nemo) કહેવામાં આવે છે.
અવકાશનો સ્મશાનઘાટ: પોઇન્ટ નીમોને પૃથ્વી પરનું સૌથી એકલવાયું સ્થળ માનવામાં આવે છે, જે કોઈપણ જમીન ભાગથી હજારો કિલોમીટર દૂર છે.
પ્રતિબંધિત વિસ્તાર: આ વિસ્તારમાં કોઈપણ જહાજના જવા પર કડક પ્રતિબંધ છે અને ત્યાં કોઈ માનવ વસ્તી નથી.
જૂનો ઇતિહાસ: વર્ષ 1971 થી અત્યાર સુધીમાં રશિયાના 'મીર' (Mir) સ્પેસ સ્ટેશન સહિત 300 થી વધુ નકામા સેટેલાઇટ અને અવકાશી કચરાને અહીં સુરક્ષિત રીતે ક્રેશ કરવામાં આવ્યો છે.
ISS ની મહત્વની સફર પર એક નજર
ઝડપ: ISS રોજ પૃથ્વીના 16 ચક્કર લગાવે છે.
ઊંચાઈ: તે પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈ પર પરિક્રમા કરે છે.
ખર્ચ: તેના નિર્માણ અને સંચાલન પાછળ અત્યાર સુધીમાં આશરે 9.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
માનવ હાજરી: નવેમ્બર 2000 થી આ સ્ટેશન પર સતત વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓ હાજર રહ્યા છે.
મહાશક્તિઓનો સહયોગ: આ પ્રોજેક્ટ અમેરિકા, રશિયા, યુરોપ, જાપાન અને કેનેડાનો સંયુક્ત પ્રયાસ છે.
ગ્લોબલ વિઝિટ: અત્યાર સુધીમાં 19 દેશોના 250 થી વધુ અવકાશયાત્રીઓ આ સ્પેસ સ્ટેશનની મુલાકાત લઈ ચૂક્યા છે.
ભવિષ્યમાં પ્રાઇવેટ સ્પેસ સ્ટેશનો સંભાળશે કમાન
ISS ના અંત પછી પૃથ્વીની નીચલી કક્ષા (Low Earth Orbit) માં ખાનગી કંપનીઓનો દબદબો જોવા મળશે. NASA ના સહયોગથી ઘણી પ્રાઇવેટ કંપનીઓ પોતાના સ્પેસ સ્ટેશન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં વાસ્ટ (Vast) કંપનીનું 'હેવન-2' (Haven-2), એક્સિઓમ (Axiom) નું સ્પેસ સ્ટેશન અને બ્લુ ઓરિજિન (Blue Origin) નું 'ઓર્બિટ રીફ' (Orbital Reef) મુખ્ય છે. બીજી તરફ, ચીન પાસે ઓલરેડી પોતાનું કાર્યરત 'તિયાંગોંગ' સ્પેસ સ્ટેશન છે. આ વૈશ્વિક રેસમાં ભારત પણ પાછળ નથી; ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) પણ વર્ષ 2035 સુધીમાં પોતાનું સ્વદેશી 'ભારતીય અંતરીક્ષ સ્ટેશન' સ્થાપિત કરવાની યોજના પર ઝડપથી કામ કરી રહી છે.






