અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ માટે રૂપિયા ખર્ચવા માટે એકથી એક દિગ્ગજ કંપનીઓ મેદાનમાં ઉતરી પડી છે, તિજોરીઓ ખુલ્લી મૂકી દેવાઈ છે. 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિની યોજાનાર શપથવિધિ માટે ડોનેશન આપવા માટે રીતસરની રેસ જામી છે. ટ્રમ્પનો શપથવિધિ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય યોજાય તે માટે આ કંપનીઓ દિલ ખોલીને દાન કરી રહી છે. 20 જાન્યુઆરીએ યોજાનારી શપથવિધિ માટે ટ્રમ્પે અધધ...14 અરબ રૂપિયા એકત્ર કર્યા છે.
શપથની ઘડીઓ નજીક
20 જાન્યુઆરી, 2025એ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ આ દુનિયાની સૌથી મોંઘી શપથવિધિ સાબિત થવાની છે. અમેરિકાના વ્હાઈટ હાઉસમાં યોજાવા જનારી શપથવિધિમાં દુનિયાના અનેક દેશોના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને નામાંકિત હસ્તિઓ ઉપસ્થિત રહેવાની છે, એટલે સ્વાભાવિક છે કે આ શપથવિધિ સમારોહ ભવ્યથી ભવ્ય બનીને રહે તે માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ ટ્રમ્પની જે કમિટી આ શપથવિધિના આયોજન માટે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે, તેમણે રેકોર્ડબ્રેક ડોનેશન મેળવી લીધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને શપથવિધિમાં ખર્ચો કરવા માટે અધધ.. રૂપિયા આપવામાં આવી રહ્યા છે, અમેરિકાની જાયન્ટ કંપનીઓએ ખજાનાનો પિટારો ખુલ્લો મૂકી દીધો છે.
ટ્રમ્પ માટે વહ્યો દાનનો ધોધ
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહ માટે ટ્રમ્પની આયોજક કમિટીએ અત્યાર સુધી 170 મિલિયન ડૉલર એકત્ર કર્યા છે જેને ભારતીય રૂપિયા પ્રમાણે કહીએ તો 14 અરબ રૂપિયા. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી આટલું ફંડ કોઈપણ રાષ્ટ્રપતિએ મેળવ્યું નથી. અમેરિકાના મોટા મોટા ઉદ્યોગપતિઓએ અને હસ્તિઓએ મોટી મોટી રકમના ચેક ટ્રમ્પના નામ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી અહી સુધી નથી અટકી, તેમણે ટાર્ગેટ તો 200 મિલિયન ડૉલરનો રાખ્યો છે.
અમેરિકાની કઈ કઈ દિગ્ગજ કંપનીઓએ ટ્રમ્પની પાર્ટીને ફંડ આપ્યું છે તેના પર નજર કરીએ તો...
- એવિએશન જાયન્ટ કંપની બોઈંગે ટ્રમ્પની પાર્ટી માટે 1 મિલિયન ડૉલરનું દાન આપ્યું
- ગૂગલ અને માઈક્રોસોફટે પણ શપથવિધિ સમારોહ માટે 1 મિલિયન ડૉલરનું ડોનેશન આપ્યું.
- તેલ ઉત્પાદક કંપની શેવરોન, ટેકનોલોજીની કંપની મેટા, એમેઝોન, ઉબેરે 1 મિલિયન ડૉલરનું દાન આપ્યું
- જનરલ મોટર્સ અને ટોયોટાએ પણ શપથવિધિ માટે 1 મિલિયન ડૉલરનું ડોનેશન આપ્યું
- ઓપન AIના ચેરમેને પણ 1 મિલિયન ડૉલરનું ડોનેશન આપવાની તૈયારી દર્શાવી
મોટાભાગની દિગ્ગજ કંપનીઓએ 1 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે.અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની શપથવિધિ માટે ડોનેશન આપનાર બોઈંગ કપનીએ ખુશી વ્યકત કરી છે. બોઈંગ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે- અમે છેલ્લા ત્રણ વર્ષથી શપથવિધિમાં એકસમાન રકમનું દાન કરતા આવ્યા છીએ. ગૂગલના યુટ્યુબ પ્લેટફોર્મ પર શપથવિધિનું સીધુ લાઈવ પ્રસારણ કરવાના હક મળ્યા છે.ચૂંટણીના પરિણામો પહેલા પ્રચાર દરમિયાન આલ્ફાબેટ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ કંપનીએ કમલા હૈરિસની પાર્ટીને ફંડ આપ્યુ હતું, તે સમયે તેમણે લાખો ડૉલરનું દાન આપ્યુ હતું, પરંતુ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનવાના છે, એટલે સ્વાભાવિક છે કે દિગ્ગજ ઉદ્યોગપતિઓ ટ્રમ્પની શપથવિધિ માટે ડોનેશન આપે.મહત્વનું છે કે અમેરિકાના નિયમો અંતર્ગત વ્યક્તિગત રીતે મળતા ફંડનો ઉપયોગ રાષ્ટ્રપતિ પદની શપથવિધિના ખર્ચા માટે થાય છે. શપથવિધિ કાર્યક્રમને શાનદાર બનાવવા માટે ખૂબ જ મોટો ખર્ચ કરવામાં આવતો હોય છે. 170 મિલિયન ડૉલરનું દાન મળવું એ પણ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઉપલબ્ધિ છે.





