અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતતા પહેલા કેટલાક વચનો આપ્યા હતા જેમાં એક વચન હતું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવું... બસ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી આ વચન પૂર્ણ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. આ માટે તેઓ યુક્રેન અને રશિયા બંને વચ્ચે વાટાઘાટો કરી રહ્યા છે. ટ્રમ્પ પર એવા આરોપ લાગી રહ્યા છે કે તેઓ યુક્રેનની અવગણના કરી પુતિનની શરતો પર યુદ્ધવિરામ કરવા માગે છે. બાઈડન કાર્યકાળમાં અમેરિકાની વિદેશનીતિ રશિયાના વિરોધમાં રહી હતી, પરંતુ ટ્રમ્પ સત્તામાં આવ્યા તે બાદથી તેમણે રશિયા સાથેના સબંધો સુધારવાના પ્રયાસ કર્યા જેના કારણે ના માત્ર યુક્રેન પરંતુ બ્રિટન અને યુરોપના દેશો નારાજ થયા છે.
ઝેલેન્સ્કી સાથે તૂતૂ-મેમેથી યુરોપ નારાજ
બ્રિટન અને યુરોપિયન દેશો ટ્રમ્પથી નારાજ તો છે પરંતુ તેઓ સીધી રીતે નારાજગી વ્યકત કરી શકતા નથી. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે બેઠક મળી, આંતરરાષ્ટ્રીય મીડિયાની સામે જ બંને વચ્ચે રકઝક થઈ ગઈ જે બાદ ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસ છોડવાની સૂચના આપવામાં આવી... તે ઘટનાક્રમ બાદ બ્રેકઝિટ અને યુરોપના દેશોએ એકજૂથ થવાનો નિર્ણય કર્યો
રશિયા સામે યુરોપનો મોર્ચો
હવે યુરોપ સંપૂર્ણ રીતે રશિયાની સામે એકજૂથ થયું છે, જેના કારણે વ્લાદિમિર પૂતિનની ચિંતાવધી ગઈ છે. બ્રિટનના લંડનમાં ઈમરજન્સી શિખર સંમેલન મળ્યું જેમાં બ્રિટન અને યુરોપના દેશોએ યુક્રેનની પડખે રહેવાનો નિર્ણય કર્યો છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બોલાવેલી બેઠકમાં "કોલેજિયન ઑફ વિલિંગ" નામથી નવું સૈન્ય ગઠબંધન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક પછી રશિયા માટે સંકટ વધુ ઘેરુ બન્યુ છે, કારણકે હવે યુરોપ માત્ર યુક્રેનને નાણાકીય અને સૈન્ય સહાય જ નહીં આપે, પણ યુદ્ધ પછીની સુરક્ષા વ્યૂહરચનામાં પણ સીધો હસ્તક્ષેપ કરશે.
રશિયા સામે મોટો પડકાર
અત્યાર સુધી પુતિનને એ વાતની રાહત હતી કે ટ્રમ્પ રશિયાને પ્રાથમિકતા આપી યુદ્ધવિરામના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ યુરોપ યુક્રેનના સમર્થનમાં ઉતર્યું છે, જેના કારણે યુક્રેનને રશિયા કોઈ નુકસાન પહોંચાડે તો તેમને આખા યુરોપનો સામનો કરવો પડી શકે તેમ છે.
યુક્રેનમાં યુરોપની સેના રશિયા પર વધારશે દબાણ
બ્રિટેન અને ફ્રાન્સે સ્પષ્ટ કહી દીધું છે કે જો યુદ્ધવિરામ મૂકાય તો તે પછી પણ યુરોપના દેશ યુક્રેનમાં તેમની સેના તૈનાત રાખશે. યુરોપના પગલાંથી રશિયા પર કૂટનીતિક અને સૈન્ય દબાણ વધશે. ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે યુદ્ધ બાદ યુક્રેનની સુરક્ષા યુરોપ માટે મહત્વપૂર્ણ રહેશે, અને એ માટે યુરોપીય સૈન્ય તૈનાતી જરૂરી બની શકે છે.
પુતિનની હિટલર સાથે સરખામણી
બ્રિટેન અને ફ્રાંસના નેતાઓએ પુતિનની તુલના હિટલર સાથે કરી છે, અને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે જો રશિયાને નહીં રોકવામાં આવે, તો ભવિષ્યમાં તે વધુ આક્રમક બની શકે છે. આ નિવેદનના કારણે રશિયા અને યુરોપ વચ્ચે સીધો ટકરાવ શક્ય બની રહ્યો છે. જો યુરોપીય દેશો પોતાનું સૈન્ય યુક્રેન મોકલશે અને રશિયા તેને ધમકી તરીકે લેશે, તો મહાયુદ્ધનો ભય વધી શકે છે. જો યુરોપની સેનાઓ યુક્રેનમાં જાય છે, તો ડોનાલ્ડ ટ્રમ્પને પણ અંતે પોતાની ભૂમિકા નક્કી કરવી પડશે.





