Rajkot Transgender Community : રાજકોટમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છ કિન્નરોએ ફીનાઇલ પી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તમામ કિન્નરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, આ કિન્નરોએ અન્ય કિન્નરોના સતત ત્રાસ અને દબાણથી નારાજ થઈ આકરું પગલું ભર્યું હતું. ઘટનાનો મુખ્ય આક્ષેપ નિકિતા દે નામની કિન્નર પર કરવામાં આવી રહ્યો છે. ગુરુ મીરાં દેએ જણાવ્યું છે કે નિકિતા દે દ્વારા જૂથને સતત પરેશાન કરવામાં આવતું હતું અને આ ત્રાસને કારણે જ તમામે ફીનાઇલ પીધું હતું.
ગુરુ મીરાં દેએ વધુમાં જણાવ્યું કે નિકિતા દેને અખાડામાંથી પહેલેથી જ બાકાત કરવામાં આવી હતી, છતાં તે જૂથને પરેશાન કરતી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને કિન્નરોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
આ ઘટના બાદ કિન્નર સમાજમાં ભારે રોષ અને ચિંતાનું માહોલ છે. પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી છે કે ઘટનાની ન્યાયસંગત તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.






