logo-img
Ins Ikshak Commissioned Indian Navy Survey Vessel

ભારતીય નૌકાદળને મળ્યું INS ઈક્ષક : હાઇડ્રોગ્રાફિક ક્ષમતામાં થયો વધારો, જાણો કેવી રીતે કરશે કામ

ભારતીય નૌકાદળને મળ્યું INS ઈક્ષક
Published by: Offbeat Team
| Last Updated: Nov 06, 2025, 06:07 PM IST

ભારતીય નૌકાદળે તેના ત્રીજા સર્વે વેસલ લાર્જ (SVL) વર્ગના જહાજ INS ઇક્ષકને સેવામાં સામેલ કર્યું છે. આ નવું જહાજ નૌકાદળની હાઇડ્રોગ્રાફિક તથા દરિયાઈ કામગીરીને વધુ મજબૂત બનાવશે.

મંગળવારે યોજાયેલા કમિશનિંગ સમારોહ દરમિયાન જહાજના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન ત્રિભુવન સિંહે કમિશનિંગ વોરંટ વાંચી કાર્યક્રમની શરૂઆત કરી. રાષ્ટ્રધ્વજ અને નૌકાદળના ધ્વજને ફરકાવ્યા બાદ, ક્રૂ સભ્યોએ ઔપચારિક સલામી આપી. જહાજે કમિશનિંગ પેનન્ટ પણ ફરકાવ્યું, જે તેનું સક્રિય સેવામાં પ્રવેશનું પ્રતિક છે.

નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અનુસાર, INS ઇક્ષક ભારતના દરિયાઈ હિતોને આગળ વધારવામાં અને વ્યૂહાત્મક પહોંચ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આધુનિક હાઇડ્રોગ્રાફિક સાધનો અને મેરિન સાયન્સ સિસ્ટમ સાથે સજ્જ આ જહાજ હેલિકોપ્ટર ઓપરેશન્સ માટે પણ સક્ષમ છે. તેની રચનામાં મહિલાઓ માટે અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે આ વર્ગના જહાજોમાં પ્રથમવાર છે.

જહાજ સર્વે કાર્ય ઉપરાંત માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) મિશન માટે પણ ઉપયોગી સાબિત થશે. INS ઇક્ષકના સમાવેશ સાથે, ભારતીય નૌકાદળ પાસે હવે ત્રણ સર્વે જહાજો કાર્યરત છે – INS સંધ્યાક, INS નિર્દેશક અને હવે INS ઇક્ષક. ચોથું જહાજ આગામી વર્ષોમાં નૌકાદળને મળવાનું છે.

હાઇડ્રોગ્રાફિક સર્વે દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે, કારણ કે તે સમુદ્રની ઊંડાઈ અને જોખમવાળી જગ્યાઓ અંગે ચોક્કસ માહિતી આપે છે. આ સર્વે જહાજો સમુદ્રની સપાટીને સ્કેન કરીને સલામત માર્ગો નિર્ધારિત કરે છે. ભારતે શ્રીલંકા સહિત હિંદ મહાસાગરના અન્ય દેશો સાથે પણ હાઇડ્રોગ્રાફિક સહયોગ માટે કરાર કર્યા છે, જેના માધ્યમથી ભારતીય નૌકાદળ તેમના વિસ્તારોમાં નેવિગેશનલ ચાર્ટ બનાવવામાં સહાય પૂરી પાડે છે.

INS ઇક્ષકની એન્ટ્રી સાથે, ભારતીય નૌકાદળની દરિયાઈ નકશાકારણી અને સુરક્ષા બંને ક્ષેત્રોમાં એક નવી શક્તિનો ઉમેરો થયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now