બેંગલુરુ એરપોર્ટ પર સામૂહિક પ્રાર્થનાને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર સામૂહિક નમાઝનો એક વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાજપનું કહેવું છે કે સિદ્ધારમૈયાની સરકાર RSS પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે, પરંતુ તે જાહેર સ્થળોએ આવી ધાર્મિક પ્રવૃત્તિઓને પણ સમર્થન આપી રહી છે. આ સિદ્ધારમૈયાના બેવડા ધોરણોને દર્શાવે છે.
અહેવાલો અનુસાર, મક્કા જતા મુસાફરો ટર્મિનલ 2 પર નમાઝ અદા કરી રહ્યા હતા. જોકે, નમાઝ માટે ટર્મિનલની અંદર એક અલગ હોલ બનાવવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નમાઝ દરમિયાન સુરક્ષા કર્મચારીઓ અને એરપોર્ટ સ્ટાફ હાજર હતા. જોકે, કોઈએ તેમને નમાઝ અદા કરવા માટે અંદર જવા કહ્યું નહીં.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા ભાજપના નેતા વિજય પ્રસાદે પૂછ્યું, "બેંગલુરુ એરપોર્ટના ટર્મિનલ 2 પર આ માટે કોણે પરમીશન આપી? આદરણીય મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયંક ખડગે, શું તમે આને મંજૂરી આપી? શું આ લોકોએ હાઇ સિક્યોરીટી એરપોર્ટ ઝોનમાં નમાજ પઢવા માટે પહેલાથી પરમીશન લીધી હતી?" તેમણે પૂછ્યું, "RSSના કાર્યક્રમો, પથ સંચાલન અને શાખાઓથી કોંગ્રેસને શું સમસ્યા છે? કોંગ્રેસ સરકાર આવી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરે છે, જે એક ગંભીર મુદ્દો છે."
કર્ણાટક સરકારે એરપોર્ટ પર કોઈપણ ધાર્મિક કે રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આમાં RSS પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં, કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ સિદ્ધારમૈયાને પત્ર લખીને જાહેર સ્થળોએ RSS કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમની માંગને સમર્થન આપતા કહ્યું હતું કે RSS અને BJP દેશમાં અશાંતિનું વાસ્તવિક કારણ છે.






