Home Gujarat Inhuman Atrocities On A Girl On The Pretext Of Birthday Celebration In Rander Surat

સુરતના રાંદેરમાં બર્થડે સેલિબ્રેશનના બહાને યુવતી પર અમાનવીય અત્યાચાર : સુરત આવવા આમંત્રિત કરી અને..., બે આરોપીની ધરપકડ

સુરતના રાંદેરમાં બર્થડે સેલિબ્રેશનના બહાને યુવતી પર અમાનવીય અત્યાચાર
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 03:00 PM IST

સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને એક યુવતી પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં રાજસ્થાનની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા મારફતે મિત્રતા બાંધી સુરત બોલાવી તેના પર ગંભીર ગુનાખોરી આચરવામાં આવી હોવાનો આરોપ નોંધાયો છે. ફરિયાદના આધારે રાંદેર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બર્થડે સેલિબ્રેશનના બહાને યુવતી પર અમાનવીય અત્યાચાર

પ્રાપ્ત માહિતી મુજબ, સોશિયલ મીડિયા દ્વારા ઓળખાણ થયા બાદ બે યુવાનોએ યુવતીને તેના જન્મદિવસની ઉજવણીના બહાને સુરત આવવા આમંત્રિત કરી હતી. યુવતીનો જન્મદિવસ 1 જાન્યુઆરી હોવાનું કહી તેને લલચાવવામાં આવી હતી. સુરત પહોંચ્યા બાદ આરોપીઓએ યુવતીને અલગ-અલગ હોટલોમાં રાખી બંધક બનાવ્યાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીના બદલે યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ યુવતીના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

બે આરોપીની ધરપકડ

લગભગ 20 દિવસ સુધી યાતના સહન કર્યા બાદ, યુવતીએ યોગ્ય તક જોઈ આરોપીઓના ચંગુલમાંથી છૂટકારો મેળવી રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અમન ઉર્ફે સાગર વર્મા અને મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર હક નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકના પીઆઈ આર.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ સુરત શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં સોશિયલ મીડિયા મારફતે થતી ઓળખાણ અને વિશ્વાસ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા લોકો સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરતી વખતે સતર્કતા રાખે અને કોઈ પણ આમંત્રણ સ્વીકારતા પહેલાં સંપૂર્ણ ચકાસણી કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now