Home Gujarat Indore Like Situation In Gandhinagar 130 People Infected With Contaminated Water

ગાંધીનગરમાં ઈન્દોર જેવી સ્થિતિ! : ટાઈફોઈડના કેસોમાં વધારો, દૂષિત પાણીથી 130 લોકો સંક્રમિત

ગાંધીનગરમાં ઈન્દોર જેવી સ્થિતિ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 03:59 PM IST

ગાંધીનગરમાં પણ ઈન્દોર જેવી સ્થિતિ સર્જાઇ છે. હકીકતમાં ગુજરાતની 'ગ્રીન સિટી' માં ટાઈફોઈડના કેસોએ ચિંતાજનક વળાંક લીધો છે. દૂષિત પીવાના પાણીના કારણે શહેરમાં અંદાજે 130 લોકોને ટાઈફોઈડ થયો હોવાનું સામે આવ્યું છે. દર્દીઓમાં તાવ, પેટમાં દુખાવો અને ઉલટી જેવી ફરિયાદો નોંધાઈ રહી છે, જેના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે.

આ 130 દર્દીઓમાંથી 1 વર્ષથી 16 વર્ષના 109 બાળકો હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકોમાં મોટી સંખ્યામાં સંક્રમણ જોવા મળતા તબીબી તંત્ર માટે સ્થિતિ ગંભીર બની છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, સમયસર સારવાર મળવાથી દર્દીઓની હાલત સ્થિર છે, પરંતુ સંક્રમણનો વ્યાપ ચિંતાજનક છે.

કેસોમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડિસેમ્બર માસ દરમિયાન અંદાજિત 600 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા સેમ્પલમાં ટાઈફોઈડની પુષ્ટિ થઈ છે. ખાસ કરીને ગાંધીનગરના સેક્ટર 24, 25, 26 તેમજ આદિવાડી વિસ્તારમાં ટાઈફોઈડના કેસો વધુ પ્રમાણમાં સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે શહેરના પીવાના પાણીની પાઇપલાઇનમાં અંદાજે 10 જેટલા લીકેજ પોઈન્ટ્સ છે. આ લીકેજના કારણે ગંદું પાણી પીવાના પાણીમાં ભળતાં ટાઈફોઈડના કેસોમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંબંધિત વિભાગને તાત્કાલિક લીકેજ દૂર કરવા અને પાણીની શુદ્ધતા ચકાસવા સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવાની, બહારનું ખુલ્લું ખોરાક ટાળવાની અને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોને લઈને પ્રશાસન દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિ કાબૂમાં લાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now