Indonesia Volcano Eruption: ઇન્ડોનેશિયાના હલમહેરા ટાપુ પર સ્થિત માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં એક ભયાનક વિસ્ફોટ થયો છે. આ કુદરતી હોનારતમાં ત્રણ લોકોના જીવતા બળી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પ્રવાસીઓ માંડ-માંડ બચ્યા છે. આજના યુગમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અને ખતરનાક સ્થળોએ રીલ્સ કે વીડિયો બનાવવાનો ક્રેઝ ક્યારેક કેટલો ભારે પડી શકે છે, આ ઘટના તેનું જીવંત ઉદાહરણ છે. પ્રશાસન દ્વારા જ્વાળામુખીના મુખ નજીક જવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, સાહસના નામે જીવ જોખમમાં મૂકનારા પ્રવાસીઓને કુદરતના પ્રકોપનો સામનો કરવો પડ્યો છે.
10 કિલોમીટર ઊંચે સુધી ઊડ્યા રાખના ગોટા
માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, ગણતરીની સેકન્ડોમાં આસમાનમાં કાળી રાખ અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટ બાદ રાખના વાદળો લગભગ 10 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયા હતા. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પહાડ પર અંદાજે 20 પ્રવાસીઓ હાજર હતા. વિસ્ફોટ થતાની સાથે જ લાવા અને ગરમ રાખનો વરસાદ શરૂ થયો હતો, જેમાં ત્રણ લોકો લપેટાઈ ગયા હતા અને સ્થળ પર જ જીવતા બળી ગયા હતા. મૃતકોમાં બે સિંગાપોરના પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે.
પ્રતિબંધિત વિસ્તારમાં એન્ટ્રી પડી ભારે
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ થયો ત્યારે પહાડ પર હાજર 20 લોકોમાંથી 9 સિંગાપોરના અને બાકીના ઈન્ડોનેશિયાના હતા. જેમાંથી 15 પર્વતારોહકો કોઈક રીતે જીવ બચાવી નીચે ઉતરી આવ્યા છે, પરંતુ 3 લોકો કાળનો કોળિયો બની ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, વહીવટીતંત્ર અને વૈજ્ઞાનિક વિભાગ (PVMBG) દ્વારા ડિસેમ્બર મહિનાથી જ અહીં પ્રવાસીઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જ્વાળામુખીના મુખથી 4 કિલોમીટરના વિસ્તારમાં જવાની સખત મનાઈ હતી અને રસ્તાઓ પર મોટા ચેતવણી બોર્ડ પણ લાગેલા હતા, છતાં પ્રવાસીઓએ આ જોખમને નજરઅંદાજ કર્યું હતું.
સમુદ્ર વચ્ચે લક્ઝરી ક્રુઝ પર હંટાવાયરસનો પ્રકોપ: બે ભારતીય ક્રૂ સભ્યો પણ ફસાયા, WHO નું ગ્લોબલ એલર્ટ!
ગાઈડ અને પોર્ટર સામે થશે કાયદેસરની કાર્યવાહી
સોશિયલ મીડિયા પર લાઈક્સ અને શેર મેળવવા માટે વિદેશી પ્રવાસીઓ અવારનવાર જોખમી વિસ્તારોમાં ઘૂસી જાય છે. આ કિસ્સામાં પણ પ્રવાસીઓને પ્રતિબંધિત વિસ્તારમાં લઈ જનાર ગાઈડ અને પોર્ટર સામે હવે વહીવટીતંત્ર લાલ આંખ કરી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરી પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવા બદલ તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં પહાડ પર ફસાયેલા મૃતદેહોને નીચે લાવવાની કામગીરી ચાલી રહી છે, જોકે સતત થઈ રહેલા રાખના વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે.
ઈરાનને સાઈડમાં મુકીને સાઉદી-UAE અને તુર્કીએ શોધ્યો હોર્મુઝ સંકટનો તોડ: જાણો શું છે માસ્ટર પ્લાન
ઈન્ડોનેશિયા: પ્રશાંત મહાસાગરનું 'રિંગ ઓફ ફાયર'
ભૌગોલિક રીતે ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં આવેલું છે. આ વિસ્તાર ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે અત્યંત સંવેદનશીલ છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની ઘટનાઓ બને છે. ઈન્ડોનેશિયામાં અંદાજે 130 સક્રિય જ્વાળામુખી છે. પ્રવાસીઓ માટે આ કુદરતી નજારો આકર્ષક તો હોય છે, પરંતુ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા પર તે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે, તે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે.





