ક્રિકેટ એશિયા કપ 2025નું આયોજન 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં યોજાનાર છે. ભારતનો પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે. એ પછી 14 તારીખે ભારત - પાકિસ્તાન મેચ યોજાશે. ભારત 19 તારીખે ઓમાન સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમશે. T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની થોડા સમય પહેલા સર્જરી થઈ હતી. જેના કારણે તે ફિટનેસ પાછી મેળવવા સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ જો તે ટુર્નામેન્ટ સુધી સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો ભારતીય ટીમની જવાબદારી કોણ સંભાળશે, આ રેસમાં બે ગુજરાતી ખેલાડીઓના નામ પણ ચર્ચામાં છે.
એશિયા કપ પહેલા ભારતની ચિંતા વધી
સૂર્યકુમાર યાદવની જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી થઈ હતી. એ પછીથી તે NCA બેંગલુરુમાં રિહેબ કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર સૂર્યા એશિયા કપ પહેલા ફિટનેસ પાછી મેળવી લેશે. પરંતુ આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. એશિયા કપ સુધી ફિટ ન થાય તો ભારતીય ટીમને કપ્તાની અંગે નવા વિકલ્પ શોધવા પડશે.એવામાં બે ગુજરાતી ખેલાડિને તક મળી શકે છે.
હાર્દિક પંડ્યા
ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિકે ભારત માટે બેટ અને બોલ બંનેથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમની પહેલી સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું અને બીજામાં ફાઇનલ સુધી પહોંચાડ્યું.ગત IPLમાં મુંબઈ ઇન્ડિયન્સને ક્વોલિફાયર 2 માં લઈ ગયો હતો. આ ઉપરાંત હાર્દિકે ટીમ ઈન્ડિયા માટે પણ અમુક મેચમાં કપ્તાની પણ કરી છે.
અક્ષર પટેલ
ઓલરાઉન્ડર અક્ષર પણ આ રેસમાં સામેલ ગણવામાં આવે છે, તેને ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ T20 શ્રેણીમાં ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે IPLમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરે છે. આ સાથે અક્ષર બેટ અને બોલથી તો શાનદાર પ્રદર્શન કરે છે, આ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ ઘણો પ્રભાવિત કરે છે. તેણે હજુ સુધી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી નથી.






