ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો કરવા માટે અમેરિકા ગયેલી ભારતીય ટીમ પરત ફરી છે. મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ વચગાળાના વેપાર કરાર પર બીજો રાઉન્ડમાં ચર્ચા પૂર્ણ કર્યા પછી વોશિંગ્ટનથી પરત ફરી છે. જોકે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પર ચર્ચાઓ આગળ ચાલુ રહેશે કારણ કે કૃષિ અને ઓટો ક્ષેત્રોને લગતા કેટલાક મુદ્દાઓ હજુ પણ ઉકેલવાની જરૂર છે.
વાટાઘાટો અંતિમ તબક્કામાં!
અધિકારીએ જણાવ્યું હતું કે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને 9 જુલાઈ પહેલા નિષ્કર્ષની જાહેરાત થવાની અપેક્ષા છે. ભારતીય ટીમ વોશિંગ્ટનથી પરત ફરી છે, વાટાઘાટો ચાલુ રહેશે. કૃષિ અને ઓટો ક્ષેત્રોમાં કેટલાક મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે, તેમ તેમણે કહ્યું છે. અત્રે જણાવીએ કે, ભારતીય ટીમ અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરવા માટે 26 જૂનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટનમાં હતી.
વાટાઘાટાની ગૂંચ ક્યાં પડી ?
આ વાટાઘાટો મહત્વપૂર્ણ છે કારણ કે, ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ પર સ્થગિત કરવાનો નિર્ણય 9 જુલાઈના રોજ સમાપ્ત થાય છે. બંને પક્ષો તે પહેલાં વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છે. ભારતે યુએસ કૃષિ અને ડેરી ઉત્પાદનોને ડ્યુટી છૂટ આપવા અંગે પોતાનું વલણ કડક બનાવ્યું છે કારણ કે આ ક્ષેત્રો રાજકીય રીતે સંવેદનશીલ છે. 2 એપ્રિલના રોજ, અમેરિકાએ ભારતીય માલ પર 26 ટકાનો વધારાનો પારસ્પરિક ડ્યુટી લાદી હતી. પરંતુ તેને 90 દિવસ માટે મુલતવી રાખી હતી. જોકે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10 ટકાની બેઝલાઇન ડ્યુટી હજુ પણ યથાવત્ છે. ભારત વધારાની 26 ટકા ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે.
અમેરિકા શું ઈચ્છે છે?
ભારતે અત્યાર સુધી કરેલા મુક્ત વેપાર કરારોમાં તેના કોઈપણ વેપારી ભાગીદારો માટે ડેરી ક્ષેત્ર ખોલ્યું નથી. અમેરિકા ચોક્કસ ઔદ્યોગિક માલ, ઓટોમોબાઇલ્સ, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો, વાઇન, પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને સફરજન, બદામ અને આનુવંશિક રીતે સુધારેલા પાક જેવા કૃષિ ઉત્પાદનો પર ડ્યુટી છૂટ પણ ઇચ્છે છે.
ભારત શું ઈચ્છે છે?
પ્રસ્તાવિત વેપાર કરારમાં ભારત કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડાની ચીજવસ્તુઓ, વસ્ત્રો, પ્લાસ્ટિક, રસાયણો, ઝીંગા, તેલીબિયાં, દ્રાક્ષ અને કેળા જેવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે ડ્યુટી છૂટછાટો માંગી રહ્યું છે.
બંને દેશો વચ્ચે આયાત-નિકાસ કેટલી?
બંને દેશો આ વર્ષના પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના પ્રથમ તબક્કા માટે વાટાઘાટો પૂર્ણ કરવાની આશા રાખી રહ્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન US$191 બિલિયનથી બમણો US$500 બિલિયન કરવાનો છે. પ્રથમ તબક્કા પહેલા, તેઓ વચગાળાના વેપાર સોદા માટે પ્રયાસ કરી રહ્યા છે. યુએસ ટીમ છેલ્લી વખત વાટાઘાટો માટે અહીં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે સમયગાળામાં ભારતની અમેરિકામાં નિકાસ 21.78 ટકા વધીને $17.25 બિલિયન થઈ છે, જ્યારે આયાત 25.8 ટકા વધીને $8.87 બિલિયન થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હલચલ તેજ: કોંગ્રેસે જાહેર કર્યા 243 ઉમેદવારો





