UAE investment: વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) સંકટ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષાને કાયમી ધોરણે મજબૂત કરવા માટે એક અત્યંત મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સત્તાવાર પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલના સપ્લાય અને સ્ટોરેજને લઈને એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ડીલ અંતર્ગત UAE હવે ભારતના ભૂગર્ભમાં આવેલા ‘સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ’ (Strategic Petroleum Reserve)માં 3 કરોડ (30 મિલિયન) બેરલ કાચું તેલ સંગ્રહિત કરશે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ ઐતિહાસિક કરારની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ પગલું ભારતની ઉર્જા સુરક્ષા અને સ્વનિર્ભરતાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને દૂરોગામી પરિણામો લાવનારું સાબિત થશે. હાલમાં જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવો અનિશ્ચિત છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનું જોખમ છે, ત્યારે ભારતની ધરતી પર જ આટલો વિશાળ તેલનો જથ્થો અનામત રહેવો એ દેશ માટે રક્ષા કવચ સમાન છે.
શું છે આ 3 કરોડ બેરલની અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ડીલ?
તમને જણાવી દઈએ કે ભારત પોતાની દૈનિક જરૂરિયાતનું લગભગ 85 ટકા જેટલું મોટું ભંડોળ વિદેશથી તેલ આયાત કરીને પૂરું કરે છે. ભવિષ્યમાં યુદ્ધ, રોગચાળો કે અન્ય કોઈ વૈશ્વિક આર્થિક કટોકટીના કારણે દરિયાઈ માર્ગે તેલનો સપ્લાય અટકી ન જાય, તે માટે સરકારે જમીનની અંદર પથ્થરો કોતરીને વિશાળ અંડરગ્રાઉન્ડ પેટ્રોલિયમ રિઝર્વ (સ્ટોરેજ ટેન્ક) બનાવ્યા છે. નવા કરાર મુજબ, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) આ ભારતીય અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં પોતાનો તેલનો જથ્થો લાવીને રાખશે. આ કોઈ સામાન્ય ખરીદ-વેચાણની ડીલ નથી, પરંતુ ભારતની ધરતી પર જ મિત્ર દેશ UAEના તેલનો એક મોટો સ્ટોક કાયમી ધોરણે તૈનાત રાખવાની રણનીતિ છે. આ જથ્થો એટલો પ્રચંડ છે કે કોઈપણ કટોકટીના સમયે ભારતને મહિનાઓ સુધી ઈંધણ પૂરું પાડી શકશે અને જરૂર પડ્યે ભારત પોતાના પાડોશી દેશોને પણ સપ્લાય કરીને મદદ કરી શકશે.
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે મોટી રાહત: હોર્મુઝની સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ વધ્યા 2 LPG ટેન્કરો, 'સિમી' આજે પહોંચશે કંડલા બંદરે
રસોડાથી લઈને ફેક્ટરીઓ સુધી રાહત: ક્રૂડ ઉપરાંત LPG અને ગેસ રિઝર્વ પર પણ મહોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચેના અંગત અને અત્યંત મજબૂત રાજદ્વારી સંબંધોને કારણે આ અશક્ય લાગતી ડીલ શક્ય બની છે.
માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં, ગેસ ક્ષેત્રે પણ મોટી સફળતા: બંને નેતાઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં માત્ર કાચા તેલ પર જ નહીં, પરંતુ ભારતમાં લાંબા ગાળાના એલપીજી (LPG) સપ્લાય અને 'સ્ટ્રેટેજિક ગેસ રિઝર્વ' ઊભા કરવા અંગે પણ સૈદ્ધાંતિક સહમતી સધાઈ છે. આનાથી ભારતના કરોડો પરિવારોના રસોડાના બજેટથી લઈને દેશની મોટી ફેક્ટરીઓ સુધી ગેસ અને ઈંધણનો પુરવઠો કોઈપણ અવરોધ વગર સતત ચાલુ રહેશે.
મિડલ ઈસ્ટ કટોકટી વચ્ચે ભારતનું અભેદ્ય 'ઉર્જા કવચ'
હાલના સમયમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે વૈશ્વિક વ્યાપારના મુખ્ય માર્ગ સમાન 'હોર્મુઝ જળમાર્ગ' (Strait of Hormuz) પર સતત સુરક્ષાનું જોખમ રહે છે. જો ભવિષ્યમાં આ દરિયાઈ માર્ગ બંધ થાય, તો વિશ્વભરમાં હાહાકાર મચી શકે છે. પરંતુ આ ડીલ બાદ, જો અરબ સાગરમાં જહાજોની અવરજવર ખોરવાશે તો પણ ભારત પાસે પોતાની જ જમીન પર તેલનો બૅકઅપ પ્લાન તૈયાર હશે. આ ઉપરાંત, લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે UAE પણ હોર્મુઝના જોખમી માર્ગને બાયપાસ કરીને સીધું તેલ પહોંચાડી શકાય તે માટે સ્પેશિયલ પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. આ ડીલ સાથે જ યુએઈ હવે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સૌથી મોટા રોકાણકાર તરીકે મજબૂતીથી ઉભરી આવ્યું છે.





