રશિયાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની ખરીદી અને સંયુક્ત ઉત્પાદન અંગે ચર્ચા કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રશિયન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશ્કિને જણાવ્યું હતું કે Su-57 પાંચમી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે, જે રશિયા અને ભારત લાઇસન્સ હેઠળ સંયુક્ત રીતે બનાવી શકે છે.
AMCA પ્રોજેક્ટમાં સમય લાગશે
ભારત હાલમાં પોતાનું સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર જેટ – AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) – વિકસાવી રહ્યું છે. જોકે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) મુજબ AMCAની પ્રથમ ઉડાન 2034-35 પહેલા સંભવ નથી. એટલે આગામી એક દાયકા સુધી ભારતને સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર ઉપલબ્ધ નહીં થાય.
ચીન-પાકિસ્તાનની હવાઈ ક્ષમતા ભારત માટે પડકાર
ભારતના હરીફ ચીને પહેલેથી જ J-20 અને J-35 જેવા સ્ટીલ્થ જેટ વિકસાવી લીધા છે. સાથે જ ચીને પાકિસ્તાનને 40 J-35 ફાઇટર જેટ સપ્લાય કરવા માટે કરાર કર્યો છે. આ પરિસ્થિતિમાં ભારતને તેની હવાઈ ક્ષમતામાં તાત્કાલિક વધારો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.
Su-57 ખરીદીની શક્યતા
HAL હાલમાં Su-57ની ક્ષમતાઓનો અભ્યાસ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સીધા જ Su-57ના બે કે ત્રણ સ્ક્વોડ્રન ખરીદવાની શક્યતા છે. Su-57ને રશિયાએ તાજેતરમાં વિકસાવ્યું છે અને તેને અમેરિકાના F-22 રેપ્ટર પછીનું સૌથી ખતરનાક ફાઇટર એરક્રાફ્ટ માનવામાં આવે છે.
S-400 અને S-500 સિસ્ટમ્સ પર પણ ચર્ચા
રશિયન રાજદ્વારીઓએ જણાવ્યું કે પુતિનની મુલાકાત દરમિયાન Su-57 ઉપરાંત S-400 અને S-500 એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ્સ પર પણ ચર્ચા થઈ શકે છે. ભારત પહેલેથી જ S-400 મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ખાસ કરીને "ઓપરેશન સિંદૂર" દરમિયાન S-400ના સફળ ઉપયોગથી પાકિસ્તાની લડાકુ વિમાનોને ભારે નુકસાન થયું હતું.