Home Business India Pakistan Debt Split History Imf Loan Role

શું ભારત પાકિસ્તાનને લોન આપે છે? : IMFની નવી લોન વચ્ચે જાણો વિભાજન સમયના બાકી લેણાંના આંકડા

શું ભારત પાકિસ્તાનને લોન આપે છે?
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 01:30 AM IST

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પાકિસ્તાનમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને નબળા શાસનની આકરી ટીકા કરવા છતાં તેને 1.29 બિલિયન ડોલરની નવી લોન મંજૂર કરવામાં આવી છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિને 'માઈક્રો ક્રિટિકલ' ગણાવીને આપવામાં આવેલી આ સહાય બાદ ભારતમાં ફરી એકવાર એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, શું ભારત પણ પાકિસ્તાનને આર્થિક મદદ કે લોન આપે છે? અને જો હા, તો પાકિસ્તાન પર ભારતનું કેટલું દેવું બાકી છે?

પાકિસ્તાનને કોઈ નવી લોન આપતું નથી ભારત

વાસ્તવિક સ્થિતિ એ છે કે ભારત પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની નવી લોન કે આર્થિક સહાય પૂરી પાડતું નથી. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં આવેલા ઘટાડા બાદ ભારતે પ્રત્યક્ષ નાણાકીય મદદ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલમાં ભારત તરફથી પાકિસ્તાન માટે કોઈ ચાલુ ક્રેડિટ લાઇન, સહાય પેકેજ કે વિકાસલક્ષી લોન અમલમાં નથી.

1947ના વિભાજન સમયનું લેણું હજુ પણ બાકી

જોકે, પાકિસ્તાન પર ભારતનું દેવું વર્ષ 1947ના વિભાજન સમયથી ચાલી આવે છે. આઝાદી વખતે જ્યારે બંને દેશો અલગ થયા ત્યારે થયેલા નાણાકીય કરારો મુજબ પાકિસ્તાને ભારતને અમુક રકમ ચૂકવવાની હતી. ભારત સરકારના બજેટ દસ્તાવેજો અને કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ, પાકિસ્તાન પર ભારતનું 300 કરોડ રૂપિયાનું દેવું હજુ પણ બાકી બોલે છે. દાયકાઓ વીતી ગયા હોવા છતાં પાકિસ્તાન દ્વારા આ રકમ ક્યારેય ચૂકવવામાં આવી નથી.

વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા

ભારત સીધી રીતે લોન આપતું નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે જ્યાંથી પાકિસ્તાન મોટાપાયે ઉધાર લે છે. ભારત IMF, World Bank અને Asian Development Bank (ADB)નું સભ્ય હોવાથી પાકિસ્તાનને અપાતી લોન સામે અવારનવાર વાંધો ઉઠાવતું આવ્યું છે. પાકિસ્તાન માટેના અબજો ડોલરના ફન્ડિંગ પ્રસ્તાવો પર ભારતે વૈશ્વિક મંચ પર પોતાની આપત્તિ નોંધાવી છે. જોકે, ભારત આ લોનને સીધી રીતે રોકી (વીટો) શકતું નથી, પરંતુ તેની રજૂઆતોને ગંભીરતાથી નોંધવામાં આવે છે.

પાકિસ્તાનની કથળતી આર્થિક સ્થિતિ

પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. વર્ષ 2025 સુધીમાં પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું વધીને આશરે 130 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. આ દેવામાં સૌથી મોટો હિસ્સો ચીનનો છે, જેની પાસે પાકિસ્તાને અંદાજે 26.5 બિલિયન ડોલર લીધેલા છે. ત્યારબાદ IMF, World Bank અને ADB જેવી સંસ્થાઓનું લેણું છે. દેવાના આ ચક્રવ્યૂહમાં ફસાયેલું પાકિસ્તાન અત્યારે વ્યાજ ચૂકવવા માટે પણ નવી લોન લેવા મજબૂર બન્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now