Online Blocking: ભારતમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર દેખરેખ રાખતી ભારત સરકારની નોડલ એજન્સી MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય) દ્વારા ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાના આદેશોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં બ્લોકિંગ ઓર્ડરની સંખ્યા સીધી બમણી થઈ ગઈ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વધી રહેલા ‘ડીપ ફેક’ (Deepfakes), વાંધાજનક પોસ્ટ્સ અને AI દ્વારા જનરેટ કરવામાં આવતી ભ્રામક માહિતીને કારણે આ કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.
મંત્રાલયના ડેટા મુજબ, બ્લોક કરવામાં આવેલા કુલ કન્ટેન્ટમાં સૌથી મોટો હિસ્સો એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) નો છે. આશ્ચર્યજનક રીતે, કુલ બ્લોકિંગ ઓર્ડરમાંથી અંદાજે 60% એકલા 'X' પ્લેટફોર્મ માટે છે, જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે 25% અને યુટ્યુબ માટે 5% આદેશો જાહેર કરવામાં આવ્યા છે. 2023માં જે સરેરાશ 6,000 આદેશો અપાતા હતા, તે 2025 સુધીમાં વધીને 24,300 પર પહોંચી ગયા છે.
‘ઓપરેશન સિંદૂર’ અને બ્લોકિંગના આદેશોમાં ઉછાળો
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, મે 2025 માં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની વિનંતીઓ તેની ટોચ પર હતી. ત્યારથી આ આંકડો સતત ઊંચો રહ્યો છે. બ્લોક કરવા માટેની મોટાભાગની ફરિયાદો ગૃહ મંત્રાલય (MHA) અને વિદેશ મંત્રાલય (MEA) દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મંત્રાલયો, વિભાગો અને વ્યક્તિગત સ્તરેથી પણ વાંધાજનક URL હટાવવા માટેની અરજીઓ MeitY ને મળી રહી છે.
રાજકીય નેતાઓ અને ડીપ ફેકનું જોખમ
બ્લોક કરવામાં આવેલા મોટાભાગના કન્ટેન્ટમાં રાજકીય પક્ષો અને નેતાઓને બદનામ કરતી પોસ્ટ્સનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમના નામે ફેલાવવામાં આવતા ડીપ ફેક વીડિયો અંગે ફરિયાદ કરી હતી. થરૂરે જણાવ્યું હતું કે, તેમના જૂના ઇન્ટરવ્યુના ફૂટેજ પર AI દ્વારા જનરેટ કરેલા અવાજો મૂકીને તેમને બદનામ કરવાનો પ્રયાસ પાકિસ્તાન સ્થિત શિબિરો દ્વારા કરવામાં આવ્યો હતો. મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરીને આ કન્ટેન્ટને ભારતભરમાં બ્લોક કરી દીધું છે.
IT એક્ટની કલમ 69A હેઠળ કાર્યવાહી
સરકાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 69A હેઠળ આ ઓર્ડર પસાર કરે છે. આ કલમ સરકારને મુખ્ય પાંચ આધારો પર કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે:
દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવવા.
સંરક્ષણ અને સુરક્ષા માટે.
વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા.
જાહેર વ્યવસ્થા જાળવવા.
ગુનાઓની તપાસ માટે.
ઇમરજન્સી ક્લોઝનો વધતો ઉપયોગ
કલમ 69A હેઠળ એક ‘ઇમરજન્સી ક્લોઝ’ પણ છે, જે અંતર્ગત જો કોઈ કન્ટેન્ટથી દેશની સુરક્ષાને તાત્કાલિક જોખમ હોય, તો તેને કમિટીની બેઠક વગર જ ‘ઇન્ટરિમ મેઝર’ (વચગાળાના પગલાં) તરીકે બ્લોક કરી શકાય છે. AI અને ડીપ ફેકના જમાનામાં હવે સરકાર આ ઇમરજન્સી સત્તાનો વધુ ઉપયોગ કરી રહી છે જેથી ગેરમાર્ગે દોરતી માહિતી ગણતરીની મિનિટોમાં હટાવી શકાય.






