Food Poisoning: ઝારખંડના ગિરિડીહ જિલ્લાના મુફસ્સિલ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક ફેરીયા પાસેથી પાણીપુરી (ગોલગપ્પા) ખાધા બાદ ત્રણ ડઝનથી વધુ લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા છે. કમનસીબે, સારવાર દરમિયાન 6 વર્ષના એક નિર્દોષ બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 36થી વધુ લોકો હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બીમાર પડેલાઓમાં સૌથી વધુ સંખ્યા બાળકોની હોવાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે સાંજે ગામમાં એક લારીવાળો પાણીપુરી વેચવા આવ્યો હતો. ગામના અનેક બાળકો અને મહિલાઓએ હોંશે હોંશે પાણીપુરી ખાધી હતી. જોકે, રાત્રિના સમયથી જ કેટલાક લોકોને પેટમાં દુખાવો અને ઉલ્ટી-દસ્તની ફરિયાદ શરૂ થઈ હતી. રવિવાર સવાર થતા સુધીમાં તો સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને એક પછી એક અનેક લોકો તેજ તાવ અને ગંભીર ફૂડ પોઈઝનિંગના લક્ષણો સાથે પટકાયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક તમામ બીમારોને સદર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં 6 વર્ષીય રંજન કુમાર નામના બાળકે દમ તોડી દીધો હતો.
ગામમાં માતમનો માહોલ: માસૂમ રંજનના મોતથી પરિવારમાં કોહરામ
બજટો ગામના નિવાસી રંજન કુમારના મોત સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. જે બાળકે ગત સાંજે ઉત્સાહથી નાસ્તો કર્યો હતો, તેનું આજે મોત થતા ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ છે. હોસ્પિટલમાં દાખલ અન્ય બાળકોમાં દિવાકર કુમાર, શિવમ કુમાર, અનુરાધા, મનીતા અને રિયા કુમારી જેવા અનેક માસૂમોનો સમાવેશ થાય છે. ડોક્ટરોની ટીમ સતત આ દર્દીઓ પર દેખરેખ રાખી રહી છે અને કેટલાકની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
તંત્ર દ્વારા તપાસના આદેશ: ફૂડ પોઈઝનિંગની પ્રબળ આશંકા
ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર રામનિવાસ યાદવ, એસડીએમ અને સિવિલ સર્જન સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ કિસ્સો ફૂડ પોઈઝનિંગનો હોવાનું જણાઈ રહ્યું છે. સિવિલ સર્જન ડો. બચ્ચા પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં અત્યારે 18થી વધુ ગંભીર દર્દીઓ દાખલ છે. પાણીપુરીના પાણીમાં અથવા મસાલામાં કોઈ ઝેરી તત્વ ભળ્યું હોવાની શક્યતાને આધારે તપાસ તેજ કરવામાં આવી છે.
લારીવાળો ફરાર: પોલીસ દ્વારા શોધખોળ શરૂ
ગામવાસીઓના જણાવ્યા મુજબ, પાણીપુરી વેચનાર વ્યક્તિ પાલમો વિસ્તારનો રહેવાસી છે. શનિવારની ઘટના બાદ તે હાલ ફરાર છે. મુફસ્સિલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, આરોપી લારીવાળા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમ દ્વારા પણ નમૂનાઓ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.





