Home National West Bengal Assembly Election 2026 Phase 2 Campaign Ends Pm Modi Mamata Banerjee Rally

"જ્યારથી ઘર છોડ્યું, તમારી વચ્ચે જ શાંતિ મળે છે" : બંગાળમાં છેલ્લી સભામાં PM મોદીએ કરી દિલની વાત, 'પલટાનો દરકાર'ના લાગ્યા નારા

PM Modi Barrackpore Rally
Published by: Nirali Gohil
Last Updated: Apr 27, 2026, 07:25 AM IST

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે બીજા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે, ત્યારે આજે ચૂંટણી પ્રચારના ધમધમાટનો અંતિમ દિવસ છે. આજે સાંજ પડતા જ પ્રચારના પડઘમ શાંત થઈ જશે, જેના કારણે ભાજપ અને ટીએમસી (TMC) સહિતના તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે. બીજા તબક્કામાં 142 બેઠકો પર રસાકસી જામવાની છે, જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને મુખ્યમંત્રી મમતા બેનર્જી જેવા દિગ્ગજ નેતાઓ આજે મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણી પંચના શિડ્યુલ મુજબ, 23 એપ્રિલે પ્રથમ તબક્કાની 152 બેઠકો પર મતદાન સંપન્ન થયા બાદ હવે 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રચારના છેલ્લા કલાકો બાકી છે ત્યારે બંગાળના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની બેરકપુરની રેલી હોય કે, અમિત શાહનો બેહાલામાં ભવ્ય રોડ શો, ભાજપે આક્રમક તેવર બતાવ્યા છે, તો બીજી તરફ મમતા બેનર્જીએ પણ પોતાના ગઢ ભવાનીપુરમાં મોરચો સંભાળી લીધો છે. 4 મેના રોજ જાહેર થનારા પરિણામો પૂર્વે આજનો દિવસ તમામ પક્ષો માટે કરોડો મતો મેળવવાનો અંતિમ અવસર છે.

PM મોદીની બેરકપુરમાં અંતિમ સભા: "મારે ભાજપના શપથ ગ્રહણમાં આવવું છે"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારના છેલ્લા દિવસે બેરકપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ અહીં ભાવુક કાર્ડ રમતા જણાવ્યું હતું કે, "આ મારી છેલ્લી જનસભા છે, પરંતુ હું એ આશા સાથે બંગાળથી પરત ફરી રહ્યો છું કે મારે ફરી અહીં ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં આવવાનું છે." તેમણે જનતાને સંબોધતા વધુમાં કહ્યું કે, જ્યારથી ઘર છોડ્યું છે ત્યારથી તમારી વચ્ચે રહીને જ મને સુકૂન મળે છે, તમે જ મારો પરિવાર છો. મોદીની આ રેલીમાં 'પલટાનો દરકાર' (પરિવર્તનની જરૂર છે) ના નારાઓથી આખું મેદાન ગુંજી ઉઠ્યું હતું.

Image

અમિત શાહ અને યોગી આદિત્યનાથના રોડ શોથી કેસરીયો માહોલ

ભાજપના પ્રચારને ધાર આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાના બેહાલામાં એક ભવ્ય રોડ શો કર્યો હતો. હજારોની મેદની અને ભાજપના ઝંડાઓ સાથેના આ રોડ શોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કલ્યાણીમાં રોડ શો કરીને બંગાળની જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. યોગી પર જનતાએ ફૂલોની વર્ષા કરી હતી, જે દર્શાવે છે કે, ભાજપે આ વખતે બંગાળ જીતવા માટે કોઈ કસર છોડી નથી.

આ પણ વાંચો: ખેતરમાં ઉગેલી દાડમ ખાઈ ગયા પોપટ : હાઈકોર્ટે આપ્યો આદેશ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતને આપે વળતર

મમતા બેનર્જીનો ભવાનીપુરમાં પ્રચાર અને બીજા તબક્કાનું ગણિત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પોતાના ખાસ મતક્ષેત્ર ભવાનીપુરમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો. મમતાએ સ્થાનિક મુદ્દાઓ અને બંગાળની અસ્મિતાને આગળ ધરીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલે 142 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કાના પરિણામો નક્કી કરશે કે બંગાળની સત્તાની ચાવી કોની પાસે જશે. તમામ તબક્કાના મતદાન બાદ 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now